આણંદ અમુલ ડેરીના વેપારમાં ઉત્તરોત્તર વૃધ્ધિ ગ્રામ્ય અર્થતંત્રને મોટું બળ પૂરું પાડી રહ્યું છે. અનેક ખેડૂત પરિવારો હવે ખેતી સાથે પશુપાલન તરફ વળ્યાં છે તો કેટલાકે તબેલા થકી દૂધ ઉત્પાદનને જ પોતાનો રોજગાર બનાવી દીધો છે. આણંદ સ્થિત અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા ગુરૂવારના રોજ મળી હતી. આ પ્રસંગે ચેરમેન રામસિંહ પરમારે અમુલ ડેરીને મળેલી મોટી સફળતા માટે સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ત્રિભુવનદાસ પટેલ અને ડો.વર્ગિસ કુરિયરને યાદ કરી તેમણે અમુલ માટે આપેલા નિઃસ્વાર્થ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સેકસ્ડ સોર્ટેડ વિર્યડોઝ થકી 90 ટકાથી વધું પાડી વાછરડીનો જન્મ
આ પ્રસંગે રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 2021-22 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબજ કપરું રહ્યું તેમ છતા સંઘનો ઉથલો રુપિયા 10229 કરોડને પાર કરી ગયો છે, જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે. સંઘનાં કાર્યક્ષેત્રમાં દુધ ઉત્પાદન બમણું કરવાના હેતુથી આરડા દ્વારા પશુપાલનમાં વિવિધ આધુનિક પધ્ધતિનો છેલ્લા બે વર્ષથી અમલમાં કરવામાં આવ્યો છે. જેના ઘણા સારા પરિણામ મળ્યા છે. સેકસ્ડ સોર્ટેડ વિર્યડોઝ થકી 90 ટકાથી વધું પાડી વાછરડીનો જન્મ થાય છે. સેકસ્ડ સીમેનનાં પ્રતિ ડોઝની કિંમત 750 છે જે સભાસદોને ફક્ત 50માં આપવામાં આવે છે, અત્યાર સુધીમાં આરડા-ઓડ દ્વારા ગાય- ભેંસના કુલ 1 લાખથી વધું વીર્યડોઝનું મંડળીઓને વિતરણ કરવામાં આવ્યું છે. જે પૈકી 85 હજારતી વધુ વિર્યદાન થયું છે અને 13,500થી વધુ પશુઓ ગાભણ માલુમ પડ્યા છે. જેમાં 2400થી વધુ પશુઓના વિયાણ થકી 1700થી વધુ પાડી, વાછરડીનો જન્મ થયો છે.
આઈવીએફ લેબોરેટરીની સ્થાપવાની કામગીરી શરૂ
મનુષ્યમાં આઈવીએફ (ઇનવીટ્રો ફર્ટીલાઇઝેશન) અને ભ્રુણ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) ઘણી પ્રચલિત પદ્ધતિ છે, જે હવે પશુઓમાં પણ શક્ય છે. અત્યાર સુધીમાં કુલ 1050 ભ્રુણ પ્રત્યારોપણ કરવામાં આવ્યાં હતાં. જે પૈકી અત્યાર સુધીમાં 283 પશુઓ ગાભણ થયા છે અને 143 પશુઓનું વિયાણ થયું છે. જે પૈકી 76 નર અને 67 માદા વાછરડાનો જન્મ થયો છે, જેનો બુલ મધર ફાર્મ - મોગર ખાતે વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવી રહ્યો છે. સભાસદને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી મોગર ફાર્મ ખાતે આઈવીએફ લેબોરેટરીની સ્થાપવાની કામગીરી શરૂ કરી છે
3200થી વધુ ગાયોને રાહત દરે ડીજીટલ પટ્ટાથી ઓળખ આપવામાં આવી
ડિઝીટલ પટ્ટાના ઉપયોગ થકી ગાય, ભેંસમાં વેતર, બિમારી અને સ્વાસ્થ્યની માહિતી ચોકસાઇપૂર્વક મેળવી શકાય છે, જેના થકી સમયસર કૃત્રિમ વિર્યદાન અને બિમારીનું સચોટ નિદાન થઇ શકે છે. જેથી સભાસદોને પશુપાલનમાં થતું આર્થિક નુકશાન અટકી શકે તે હેતુથી ચાલુ વર્ષે 50થી વધુ ફાર્મમાં 3200થી વધુ ગાયોને રાહત દરે ડીજીટલ પટ્ટાથી ઓળખ આપવામાં આવી છે. પ્રથમ તબક્કે 10 હજાર પશુઓને ડીઝીટલ પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં પશુ સારવાર માટે ચાલતી વિઝીટ પાવતીની પદ્ધતિમાં ફેરફાર કરી પ્રારંભિક તબક્કે 12 દૂધ મંડળીઓમાં ડીજીટલ પાવતીનો સફળ રીતે ઉપયોગ કરવામાં આવે છે.
એન્ટી બાયોટીક દવાઓના ઉપયોગથી દૂધની ગુણવત્તામાં ઘટાડો
પશુ સરવારમાં વપરાતી એન્ટી બાયોટીક દવાઓનો અમુક માત્રાથી વધુ માત્રામાં ઉપયોગ કરવાથી દૂધની ગુણવત્તામાં ઘટાડો થવાને કારણે દૂધની બનાવટોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં મુશ્કેલી ઉભી થાય છે. આવી દવાઓનું પ્રમાણ ઘટાડવા આપણાં કાર્યક્ષેત્રમાં અમૂક બિમારીઓમાં પરંપરાગત પશુચિકિત્સા ઇથ્નોવેટ વેટરનરી મેડીસીન (ઇવીએમ)નું કેટલ ફીક ફેક્ટરી - કંજરી ખાતે ઉત્પાદન કરી ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. હોમીયોપેથી દવાઓથી પશુઓની થતી સામાન્ય બિમારીઓમાં અસરકારક રીતે સારવાર કરી સકાય છે. જેનો 20 જેટલી બિમારીઓમાં અજમાઇશી ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પણ ઘઆં સારા પરિણામ મળતાં કેટલ ફિડ ફેક્ટરી - ખાતે વેટરનરી હોમીયોપેથી દવાઓનું ઉત્પાદન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તમામ યોજનાઓનો લાભ લેવા હાંકલ
વધુમાં રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, આરડા અને તેના થકી થતા યોજનાનાં કાર્યો, અમૂલ માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે દરેક દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેને અપીલ કરી કે દરેક મંડળી સેક્સ સિમેનનો, ભ્રુણ પ્રત્યારોપણ પદ્ધતિ તેમજ ડીઝીટલ પટ્ટા જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અવશ્ય કરે જેથી આપણા પશુઓની દૂધ ઉત્પાદકતામાં વધારો થાય અને તે માટે ચાલતી તમામ યોજનાઓનો લાભ લેવા હાંકલ કરી હતી. ઘણી દૂધ મંડળીઓમાં મિલ્ક એનાલાઇઝર લગાવેલુ છે. જેથી અમૂલને મળતાં દૂધમાં ફેટ અને એસએનએફમાં વધારો થયો છે અને તેનો સીધો ફાયદો સભાસદોને પણ થયો છે, માટે દરેક દૂધ મંડળી આ મિલ્ક એનાલાઇઝર લગાવવું જોઈએ.
સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યાં
આણંદ સ્થિત અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા ગુરૂવારના રોજ ચેરમેન રામસિંહ પરનારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ પ્રસંગે તેઓએ પશુપાલકો, મંડળીઓને સેક્સ સિમેન, ભ્રુણ પ્રત્યારોપણ પદ્ધતિ તેમજ ડિઝિટલ પટ્ટા જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ સભામાં મંડળીના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યાં હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.