થોડાં સમય અગાઉ એક મહિલાએ 181 અભયમની ટીમને કોલ કરીને તેના પતિ તેના પર ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ કરી હતી. તેણે આપેલાં સરનામાં પર જ્યારે ટીમ પહોંચી અને સમગ્ર હકીકત જાણી ત્યારે અભયમની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
પોતાની આપવીતી જણાવતા 40 વર્ષીય દક્ષાએ (નામ બદલ્યું છે) જણાવ્યું હતું કે, તેનાં પાંચ વર્ષ પહેલાં દિનેશ (નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. જોકે, તે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જેને કારણે તે ત્રાસી ગઈ હતી.
તેણીને સંતાનમાં 4 વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. પુત્રી અવતરી એ પછી દિનેશનો ત્રાસ સતત વધી ગયો હતો. તે દારૂ પીને ઘરે આવ્યા બાદ તેની પત્નીને બેરહેમીપૂર્વક માર મારતો હતો. પતિની ઈચ્છા સંતાનમાં બીજુ બાળક પણ પુત્ર આવે એ જ હતી. અવાર-નવાર મારઝૂડ કરતો હોય કંટાળેલી પરિણીતા આખરે તેના પિયર જતી રહી હતી.
જોકે, થોડાં સમય ત્યાં રહ્યા બાદ પુન: પતિ તેને તેડવા ગયો હતો. જેને પગલે તે પરત આવી હતી. પરંતુ તેનો ત્રાસ ઓછો થયો નહોતો. અને અવાર-નવાર મારઝૂડ કરતો હતો. જેને કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
આખરે અભયમની મદદ લેતાં ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી તેને તેના પિયરમાં સલામત મૂકી હતી. બીજી તરફ દારૂડિયા પતિ પત્નીને સારી રીતે રાખવા જણાવી, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
માતાને હેરાન કરતા પુત્રનું પણ અભયમે સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું
દારૂડિયા પુત્રથી કંટાળેલી માતાએ પણ અભયમની મદદ લીધી હતી. પુત્ર દારૂ પીને આવ્યા બાદ અવાર-નવાર માતા સાથે ઝઘડો કર્યા કરતો હતો. તે રાજકોટ કામ કરતો હતો. પરંતુ કામના સ્થળે જવાને બદલે તે અહીં આણંદમાં જ રોકાતો હતો અને દારૂના રવાડે ચઢી ગયો હતો. આખરે, કંટાળેલી મહિલાએ પુત્ર વિરૂદ્ધ ફરિયાદ આપતાં અભયમની ટીમે સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું.
અને તેને માતાને હેરાન ન કરવા જણાવ્યું હતું. આખરે કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતાં યુવક રાજકોટ નોકરીના સ્થળે જતો રહ્યો હતો. આમ, વધુ એક મહિલાની મદદે અભયમની ટીમ પહોંચી હતી. અત્યાર સુધી 181 અભયમ હેલ્પલાઈનનો લાભ 85 હજાર ઉપરાંત મહિલાઅોઅે લીધો છે. વર્ષ 2022માં 3035 મહિલાઅોને ઘટના સ્થળ પર જ મદદ પહોંચાડી હતી.આમ મહિલા અભિયાનની કામગીરી સૌઅે બિરદાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.