પત્ની પર ત્રાસ:અલારસાના યુવકે પત્નીની જાણ બહાર વિદેશમાં બીજા લગ્ન કરી લીધા, પત્નીને ધમકાવી પિયર મોકલી દેતા ફરિયાદ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

બોરસદ તાલુકાના અલારસા ગામે રહેતા યુવકે ચાર વર્ષ પહેલા વિદેશ ગયા બાદ ત્યાં બીજા લગ્ન કરી લીધાં હતા અને અલારસા રહેલી તેની પત્નીને છુટાછેડા આપી તેના પિતાના ઘરે જતાં રહેવા ધમકાવી હતી. આ અંગે પરિણીતાએ પોલીસ મથકે પતિ ઉપરાંત સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

ખંભાતના વત્રા ગામે રહેતા પૂનમભાઈ પ્રજાપતિની દિકરીના લગ્ન 2008માં અલારસા મુકામે રહેતા અનીલ રેવનદાસ પ્રજાપતિ સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં એક દિકરાનો પણ જન્મ થયો હતો. અનીલ ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. જોકે, તેને વિદેશ જવું હોવાથી ખર્ચ પેટે રૂ. પાંચ લાખ પિયરમાંથી લાવવા પત્નીને દબાણ કરતો હતો. તેની સાથે સસરા, જેઠ - જેઠાણી પણ મ્હેણાં ટોણા મારી ત્રાસ આપતા હતાં. આખરે આ અંગે પત્નીએ પિયરમાં વાત કરતાં રૂ. ત્રણ લાખની મદદ કરી હતી. બાદમાં 2017માં અનીલ એકવાડોર ગયો હતો.

વિદેશ ગયા બાદ થોડા સમયમાં પત્નીને બોલાવી લેવા કહ્યું હતું. બાદમાં તે બદલાઇ ગયો હતો અને વિદેશ લઇ જતો ન હતો તેમજ ફોન પર તે કહેવા લાગ્યો હતો કે, તુ તારા બાપના ઘરે જતી રહે હું તને વિદેશ નહીં લાવવાનો મેં અહીં બીજા લગ્ન કરી લીધા છે. હવે મારે તારી જરૂર નથી. આ ઉપરાંત સાસરિયા પણ વારંવાર તુ અમારા ઘરેથી જતી રહે અને અનીલને છુટાછેડા આપી દે. તેમ કહેતાં હતા. જ્યારે 23મી નવેમ્બર,20ના રોજ પત્નીને પિયર મોકલી આપી હતી. અનિલે તેના સસરાને ફોન કરી જણાવ્યું કે, મેં અહીં બીજા લગ્ન કરી લીધા છે, હવે મારે તમારી દિકરીની જરૂર નથી. તમારે તમારી દીકરીને બીજે જ્યાં પરણાવવી હોય ત્યાં પરણાવી દેજો. તેવું તેના સસરાને જણાવી ત્રાસ આપવા લાગ્યો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પતિ ઉપરાંત સસરા રેવનદાસ પ્રભુદાસ, જેઠ નીલેશ, જેઠાણી શીલ્પાબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...