બોરસદ તાલુકાના કાવિઠા ગામે રહેતાં બે યુવકોને સારી નોકરીની લાલચ આપી એજન્ટો દુબઇ લઇ ગયાં હતાં. જ્યાં તેઓએ એક મહિના સુધી રાખ્યા બાદ કોઇ નોકરી આપી નહોતી. આ ઉપરાંત વિઝા પણ પૂર્ણ થઇ જતાં ઓવર સ્ટેનો મુદ્દો ઉઠ્યો હતો. આથી, યુવકના પિતાએ શનિવારના રોજ આણંદ સાંસદ મિતેશ પટેલ પાસે મદદની આશાએ પહોંચ્યાં હતાં અને પુત્ર કાયદેસર પરત આવે તે રીતે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
બોરસદ પાસે આવેલા કાવીઠા ગામમાં રહેતા બે યુવકો હર્ષલ પટેલ અને શિવમ પટેલનો સંપર્ક ધર્મજ ગામના સચિન પટેલ સાથે થયો હતો. આ પરિચયમાં સચિને હર્ષલને દુબઇમાં મોટા પગારની જોબ હોવાની વાત કરી હતી. સચિનની આ લોભામણી વાતોમાં આવી ગયેલા હર્ષિલે 1 લાખ 60 હજાર રૂપિયા લઇ આપ્યાં હતાં. આ સમયે હર્ષિલને એક મહિનાના વિઝા પર દુબઇ મોકલ્યા બાદ ત્યાં વિઝાની મુદતમાં વધારો કરાવી નોકરી આપવાની વાત કરી હતી. આથી, હર્ષિલ એક મહિનાના વિઝા પર દુબઇ ગયો હતો. જોકે, તેને એક રૂમમાં રાખ્યા બાદ નોકરી આપી નહતી.
બીજી તરફ એક મહિનો થવા આવતા વિઝાની અવધી પણ પુરી થઇ હતી. જેના કારણે તે ઓવર સ્ટે થતાં દુબઇની સરકારના નિયમ મુજબ દૈનિક 100 દિનારનો દંડ કરવામાં આવે છે. જેના કારણે હર્ષિલની મુશ્કેલીમાં વધારો થયો છે. આ અંગે તેણે કાવિઠા રહેતા તેના પિતા દિલીપ પટેલને વાત કરતાં તેઓ તેમના મિત્ર શૈલેષભાઈ ડાભી સાથે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલની ઓફિસે પહોંચ્યાં હતાં અને હર્ષિલને પરત લાવવા રજૂઆત કરી હતી.મહત્વનું છે કે સાંસદ મિતેશભાઈ પટેલ હાલ પાર્ટીની વિસ્તારક યોજના હેઠળ અન્ય જિલ્લામાં પાર્ટી કાર્ય માટે ગયા હોઈ સાંસદ કાર્યાલયે હાજર નહોતા.આ સંજોગોમાં હર્ષલના પરિવારજનો દ્વારા સાંસદને વીડિયોફોન થી રજૂઆત કરી હતી.સાંસદ મિતેશભાઈ દ્વારા આ મામલે શક્ય તમામ મદદ ની ખાતરી આપી હતી.
આ અંગે શૈલેષભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, વિદેશ મોકલતા એજન્ટે દુબઇના એક મહિનાના વિઝા આપ્યાં હતાં અને ત્યાં વિઝાની મુદ્દત વધારો કરાવી નોકરીએ આપવાની વાત કરી હતી. પરંતુ એક મહિનો થવા છતાં કોઇ નોકરી મળી નથી અને ઓવર સ્ટે થતાં દૈનિક 100 દિનારનો દંડ ચડી રહ્યો છે. આથી, એજન્ટે અમારી સાથે છેતરપિંડી કરી છે. વિઝા, ટિકિટ, નોકરી અને રહેવાનો વાયદો કર્યો હતો. જે વચન એજન્ટે પાળ્યું નથી. આથી, હર્ષિલ સહી સલામત અને કાયદેસર આવે તેવી માગણી સાંસદ સમક્ષ કરવામાં આવી છે. કારણ કે ઓવર સ્ટેના મુદ્દે દુબઇ સરકાર પાસપોર્ટમાં કોઇ નોંધ કરે તો યુવકોનું ભવિષ્ય બગડે તેમ છે. આથી, કાયદેસર રીતે પરત આવે તેવી અમારી માંગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.