કોરોનાની મહામારી બાદ મોટાભાગના લોકોની જીવનશૈલીમાં ફેરફાર આવ્યા છે. જેમાં ખાસ તો વિદ્યાર્થીઓ કે જેઓ ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓની લાઈફ સ્ટાઈલ, ખાણી-પીણી બાબતે અનેક પરિવર્તન જોવા મળ્યા છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને મોટાભાગે ફાસ્ટફૂડ જ પસંદ હોય છે, પરંતુ કોવિડ 19 બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ ફાસ્ટફૂડને બદલે ફળફળાદિ, સહિતના પોષ્ટિક આહાર તરફ વળ્યા છે.
સમગ્ર બાબતો તાજેતરમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ખૂલી છે. એમએસસીના ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ દ્રારા વર્ષ 2021-22ના વર્ષમાં અલગ અલગ ત્રણ સ્વાસ્થ્યલક્ષી પ્રોજેક્ટ્સ વિભાગના વિભાગના હેડ ડો. જ્યોતિ દિવેચા અને પ્રાધ્યાપક ડો. ખીમ્યાં ટીનાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા હતાં. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ ખુશ્બુ અગલ, શૈલજા યાદવ અને શ્રદ્ધા શાહ દ્વારા વૈશ્વિક મહામારી પછી વિદ્યાર્થીઓમાં ફાસ્ટફૂડનો ઉપયોગ વધ્યો છે કે કેમ તેમજ તેની વિધાર્થીઓ પર થતી અસર વિશે 326 વિદ્યાર્થીઓ પર સર્વે કરાયો હતો.
જે અંતર્ગત યુનિવર્સિટીના હોસ્ટેલમાં તેમજ ઘરે રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ખોરાક અને તેમના બોડી માસ ઈન્ડેક્ષ (કિ.ગ્રા. વજન ભાગ્યા મિ. ઊંચાઈ X ઊંચાઈ રેન્જ 18.5-24.9) પર માહિતી એકત્ર કરી હતી. કોરોનાકાળ દરમ્યાન થયેલી અસર જાણવા, કોરોના પહેલા અને કોરોના બાદ લેવામાં આવતા ખોરાક વિશેના આંકડાઓ એકત્રિત કર્યા હતા. જેમાં ફાસ્ટફૂડમાં 60 થી 65 ટકાનો ઘટાડો થયો છે.
વિદ્યાર્થીઓએ ફાસ્ટફૂડ ખાવામાં જેટલો ઘટાડો કર્યો તેટલો વધારો ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ માટે ફાળવ્યો છે. એટલે કે પૌષ્ટિક આહારના ઉપયોગમાં 10 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ઘરે રહેતા 81 ટકા વિદ્યાર્થીઓમાં બોડી માસ ઇન્ડેક્ષ ઉત્તમ રેન્જમાં છે. જ્યારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીમાં 53 ટકા જ ઉત્તમ રેન્જમાં છે. વળી, 23 ટકા મેદસ્વી જોવા મળ્યા હતા.
મગને ફણગાવવા માટે મિનરલ વોટર જ્યારે ચણા માટે નળનું પાણી ઉત્તમ
યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા દર વર્ષે એમએસસીના ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ વિષય પર પ્રોજેક્ટસ કરવામાં આવતા હોય છે. જેમાં મગ તેમજ ચણાને ફણગાવવા કેવું પાણી અસરકારક રહે તેના પર પણ પ્રયોગ કરાયો હતો. જેમાં મહેશ ભીંગીકર, પ્રથમેશ પવાર અને અક્ષય મહાજને પ્રયોગ બાદ તેમના તારણો નોંધ્યા હતા. જેમાં સામાન્ય રીતે કઠોળ (પાણીથી સાફ કરેલા)ને ફણગાવવા માટે 1 ભાગ કઠોળને 3 ભાગ પાણીમાં 6 કલાક પલાળવા જોઈએ. ઉપરાંત સ્વાદિષ્ટ સ્પ્રાઉટ માટે મગને મિનરલ વોટરમાં પલાળવા જ્યારે ચણા માટે નવશેકુ નળનું પાણી ઉત્તમ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.