વધુ એક ગુનો:પોક્સોમાં જામીન પર છૂટ્યા બાદ યુવક પુન: સગીરાને ભગાડી ગયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંકલાવનો યુવક જેલમાંથી 1 માસ અગાઉ છૂટ્યો હતો

આંકલાવ તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને આઠ માસ અગાઉ પ્રેમી યુવક લગ્નના ઈરાદે ભગાડી ગયો હતો. દરમિયાન, જેલમાંથી એક માસ અગાઉ જામીન પર છૂટ્યા બાદ પુન: ગુરૂવારે તે તેણીને જ ભગાડી જતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ બનાવ સંદર્ભે આંકલાવ પોલીસે યુવક વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધી તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર બનાવની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવ તાલુકાના એક ગામમાં 24 વર્ષીય ધવલ મનહર મિસ્ત્રી રહે છે. તેના પિતા પોસ્ટમાં હતા, જેમનું મૃત્યુ થયું છે. હાલમાં તેમના માતા પોસ્ટમાં ફરજ બજાવે છે. યુવક પશુપાલક તરીકે ગુજરાન ચલાવે છે. યુવક તેના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાના પરિચયમાં આવ્યો હતો. એ પછી પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો.

દરમિયાન, આઠ માસ અગાઉ યુવક તેણીને પટાવી-ફોસલાવી લગ્નના ઈરાદે ભગાડી ગયો હતો. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેમણે આ મામલે યુવક વિરૂદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી યુવકને ઝડપી પાડ્યો હતો. દરમિયાન, કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો.

એક માસ અગાઉ તે જામીન પર છૂટ્યો હતો. બાદમાં પુન: તે સગીરાને મળવા લાગ્યો હતો. દરમિયાન, ગુરૂવારે સગીરા અને યુવક બંને ઘરેથી અચાનક ગુમ થયા હતા. પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બંનેનો કોઈ પત્તો મળ્યો નહોતો. આમ, યુવક પુન: સગીરાને ભગાડી જતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...