ચરોતરે ચેતવાની જરૂર:NRIના હબ આણંદ-ખેડામાં વાયુવેગે ફેલાયો કોરોના, રાજ્યમાં અમદાવાદ-સુરત બાદ સૌથી વધુ પોઝિટિવિટી રેટ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં ત્રણ દિવસથી પોઝિટિવિટી રેટ 8થી 9.45 ટકાની વચ્ચે
  • ખેડામાં ત્રણ દિવસથી પોઝિટિવિટી રેટ 5થી 7 ટકાની વચ્ચે

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે. દરરોજ સામે આવતા કોરાનાના કેસોમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત જેવાં મહાનગરોની સાથે અન્ય શહેરોમાં પણ આ મહામારી એક મહાવિસ્ફોટ સાબિત થઇ રહી છે. સૌથી વધુ એનઆરજી નાગરિકો ધરાવતા ચરોતર પંથક માટે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ આણંદ અને ખેડા આવે છે, એટલે કે દરરોજ કરવામાં આવતા ટેસ્ટના 8 ટકા લોકો આણંદમાં કોરોના પોઝિટિવ છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

આણંદનો પોઝિટિવિટી રેટ 8.78 ટકા
ચરોતર પંથકમાં આણંદની વાત કરીએ તો 6 જાન્યુઆરીએ 1214 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 112નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે કે 6 જાન્યુઆરીએ કરવામાં આવેલા ટેસ્ટની સરખામણીએ 9.23 ટકા પોઝિટિવિટી રેટ હતો, જ્યારે 7 જાન્યુઆરીના રોજ 1645 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 133નો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો, એટલે કે 7 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ 8.09 ટકા પોઝિટિવિટી રેટ હતો. 8 જાન્યુઆરીએ 921 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 87 કોરોના પોઝિટિવ હતા. 8 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 9.45 ટકા હતો.

ખેડાનો પોઝિટિવિટી રેટ 7.08 ટકા
ખેડાની વાત કરીએ તો 6 જાન્યુઆરીએ 1137 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 66નો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો, એટલે કે 6 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ 5.80 ટકા પોઝિટિવિટી રેટ હતો. જ્યારે 7 જાન્યુઆરીએ 1468 ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 104નો રિપોર્ટ પોઝિટિવ હતો, એટલે કે 7 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ 7.08 ટકા પોઝિટિવિટી રેટ હતો. 8 જાન્યુઆરીએ કરાયેલા 988 ટેસ્ટમાંથી 64નો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો. 8મીએ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 6.48 હતો.

એનઆરજી માટે જાણીતા ચરોતર પંથકે ચેતવાની જરૂર
ચરોતર પંથક આણંદ અને ખેડા જિલ્લામાં એનઆરજી સૌથી વધારે છે અને એજ્યુકેશન હબ વલ્લભ વિદ્યાનગર પણ ચરોતર પંથકમાં છે, તેવામાં જો થોડી પણ બેદરકારી દાખવવામાં આવે તો ચરોતર પથંકમાં ઓમિક્રોન વેરિયન્ટ અને કોરોનાનું સંક્રમણ વધી શકે છે. ત્રીજી લહેરની શરૂઆતમાં જ આણંદ જિલ્લા અને ખેડા જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટી રહ્યો છે. જો ટેસ્ટિંગ આ બન્ને જિલ્લામાં તીવ્રતા સાથે કરીને વધારવામાં આવે તો કોરોના પોઝિટિવ દર્દીનો આંક પણ વધી શકે છે.

સુરત અને અમદાવાદ ટોચ પર
અમદાવાદમાં 6 જાન્યુઆરીએ 17133 ટેસ્ટમાંથી 1862 પોઝિટિવ, 7મીએ 10385 ટેસ્ટમાંથી 2311 પોઝિટિવ અને 8મીએ 14344 ટેસ્ટમાંથી 2567નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે કે અમદાવાદમાં ટેસ્ટની સરખામણીએ 6 જાન્યુઆરીએ 10.87 %, 7 જાન્યુઆરીએ 22.25 અને 8 જાન્યુઆરીએ 17.90 ટકા પોઝિટિવિટી રેટ હતો. એવી જ રીતે સુરતમાં 6 જાન્યુઆરીએ 13751 ટેસ્ટમાંથી 1193 પોઝિટિવ , 7મીએ 15638 ટેસ્ટમાંથી 1452 પોઝિટિવ અને 8મીએ 13423 ટેસ્ટમાંથી 1661નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે કે સુરતમાં ટેસ્ટની સરખામણીએ 6 જાન્યુઆરીએ 8.68 %, 7 જાન્યુઆરીએ 9.29 અને 8 જાન્યુઆરીએ 12.37 ટકા પોઝિટિવિટી રેટ હતો.

અન્ય સમાચારો પણ છે...