ચરોતરની 13 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના પાંચમાં દિવસે નડિયાદ અને અાણંદના ઉમેદવારો સહિત 63 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આણંદ બેઠક પર અગાઉ ત્રણ વખત ઉમેદવાર ભરી ચુકેલા ધારાસભ્ય કાંંતિભાઇ સોઢા પરમારએ ઉમેદવારી પત્રની સાથે રજૂ કરેલ એફીડેવીટમાં ભૂલ હોવાથી ફોર્મ હાલમાં પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. તેઓ નવેસરથી એફીડેવીટ રજૂ કર્યા બાદ તેમનું ફોર્મ સ્વીકારાશે. જયારે બોરસદ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિયત સમય કરતાં મોડા પહોંચતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું ન હતું. જ્યારે મંગળવારે પેટલાદ બેઠના અાપના ઉમેદવાર અર્જુનભાઈ ભરવાડે પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ આર. જાનીને ઉમેદવારીપત્ર સુપ્રત કર્યું હતું. જો કે ફોર્મમાં ભૂલો અને ટેકેદારની સહીઓ ન હોવાના કારણે પ્રથમ નજરે રદ થઈ શકે તેમ હોઈ તેથી ઉમેદવારે તાત્કાલિક બીજું ફોર્મ ઉપાડ્યું છે અને તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી બીજું ફોર્મ ભરવું પડશે.
આણંદ ચરોતરમાં પહેલીવાર કોઇ સીઅેમ ઉમેદવારોના ફોર્મ ભરાવવા અાવ્યા હોય તેવો પહેલો કિસ્સો મંગળવારે બન્યો હતો. આણંદ વિધાનસભા અને સોજીત્રા વિધાનસભાના ભાજપના ઉમેદવારના ફોર્મ ભરાવવા અાવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અક્ષરફાર્મ ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધતાં સરદાર પટેલની કર્મભૂમિની જનતાએ સરદાર પટેલ જેવી ખમીરતા દાખવીને 100 ટકા મતદાન કરીને મહાપર્વની ઉજવણી કરે તે માટે ભાર મુક્યો હતો.
કેન્સલ થવાનો ડર ! નડિયાદમાં કોંગ્રેસના ઉમેદવારે 2 દિવસમાં બે વાર ઉમેદવારી ફોર્મ ભર્યું
નડિયાદ | નડિયાદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારે બે દિવસમાં બે વાર ઉમેદવારી ફોર્મ ભરતા અચરજ વ્યાપી છે. સોમવારે ધ્રૃવલ પટેલે વિધિવત રીતે ઉમેદવારીપત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ મંગળવારે ફરી પાછા તેઓએ વધુ એક ઉમેદવારી ફોર્મ ભરતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી હતી. આ બાબતે ચૂંટણી અધિકારી સોનલબેને જણાવ્યું હતું કે કદાચ સોમવારે ભરેલ ઉમેદવારી પત્ર કેન્સલ થાય તો, તેવા ડરે તેઓએ બીજુ ફોર્મ ભર્યું હોઇ શકે છે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવાના બીજા દિવસે જિલ્લાની પાંચ બેઠકો પર 27 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં નડિયાદ 11, માતર 7, મહેમદાવાદ 1, મહુધા 5 અને ઠાસરા બેઠક પર 3 મળી કુલ 27 ફોર્મ ભરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.