“સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન”:આણંદ ટાઉનહોલમાં યોજાયેલ ‘કિશોરી મેળા’માં કિશોરીઓને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવામાં આવી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "બેટી બચાવો બેટી પઢાવો” તથા “પુર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે "સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન" અંતર્ગત આણંદ ટાઉનહોલ ખાતે ‘કિશોરી મેળો યોજાયો હતો.આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સશક્ત સમાજના નિર્માણ માટે સમાજની દિકરી મજબુત બને તે ખુબ જ જરૂરી છે, માટે જ સંવેદનશીલ ગુજરાત સરકારે મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડી છે.

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિકરીઓની ખુબ જ ચિંતા કરે છે એટલે જ તેમણે દિકરીઓની સલામતી માટે 181 - અભયમ જેવી અનેક સુવિધાઓ શરૂ કરી છે. જેના પરીણામે આજે ગુજરાતમાં રાતે 2 વાગ્યે પણ દિકરીઓ બહાર નિકળી શકે છે.

આ પ્રસંગે પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટ્રર સુનીતાબેને કિશોરીઓને પૂર્ણા યોજનાની જાણકારી આપી હતી, જયારે જિલ્લા રોજગાર અધિકારી સી.બી.ચૌધરીએ કિશોરીઓને શિક્ષણ, નોકરીની તકો, કૌશલ્ય વર્ધન, રોજગાર હેલ્પ લાઇન, અનુબંધમ વેબ પોર્ટલ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપીને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.

આ તબક્કે દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી ફરજાના ખાને કિશોરીઓ માટેની વિવિધ યોજનાઓ જેવી કે, વ્હાલી દિકરી યોજના, બેટી બચાઓ - બેટી પઢાઓ, ગંગા સ્વરૂપા યોજના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી વન સ્ટોપ, વર્કીંગ વુમન હોસ્ટેલ,181–અભયમ મહિલા હેલ્પલાઇન,મહિલા સ્વધાર ગૃહ,સંકટ સખી એપ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ ઉપરાંત આણંદ તાલુકા આર.બી.એસ.કે ઓફિસર હિરલ ભાવસારએ કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે એનિમિયાના નિરાકરણ માટે લેવાતા પગલાં,તરૂણાવસ્થા દરમિયાન કિશોરીઓમાં થતા ફેરફારો,પોષણયુક્ત આહાર, હિમોગ્લોબીનની તપાસ વગેરે બાબતે સમજ આપી હતી.શી ટીમના એ.એસ.આઇ ઝસીબેન ચૌધરીએ પોલીસ કિશોરીઓને કોઇ પણ મુશ્કેલીમાં કઇ રીતે મદદરૂપ બને છે તેની જાણકારી આપી હતી.

મહત્વનું છે કે આ કાર્યક્રમમાં બાળ સુરક્ષા એકમના ચાઈલ્ડ પ્રોટેકશન ઓફિસર પાર્થ ઠાકરે કિશોરીઓ તથા બાળકોને લગતી વિવિધ સુરક્ષા યોજના અને કિશોરીઓ તથા બાળકોના હક અને કાયદા વિશે તથા કિશોરીઓને લગતા કાયદાઓની જોગવાઈ જેવી કે ચાઇલ્ડ મેરેજ એક્ટ અને પોકસો એક્ટ વિશે જાણકારી પુરી પાડી હતી.રોહિણીબા પરમારે કિશોરીઓમાં શિક્ષણનું મહત્વ અને ઓપન સ્કૂલ માટેની જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં આઇ.ટી.આઇ.ના નોડેલ પ્રિન્સિપાલ એમ.પી.પટેલે સરકાર દ્વારા ચાલતા વિવિધ આઇ.ટી.આઇ અને કે.વી.કે.ના કોર્ષની તેમજ લીડ બેંકના ચીફ મેનેજર પ્રદીપ ચૌહાણે બેંકમાં કેવી રીતે ખાતું ખોલવું,પોસ્ટમાં ચાલતી વિવિધ યોજના અને અન્ય બેંકિંગ સેવાઓ વિશે જાણકારી આપી હતી.સાયબર ક્રાઇમ વિભાગના વિરેનભાઇએ કિશોરીઓને સાયબર ક્રાઇમ શુ છે અને તેનાથી બચવા શુ કરવુ તે વિષય પર વિસ્તૃત જાણકારી આપી હતી.આ ઉપરાંત કાર્યક્રમમાં કિશોરીઓને તેમના ઘરની આસ-પાસ કેવી રીત પોષણ વાટીકા (કિચન ગાર્ડન) બનાવી શકાય તેમજ “ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-2023" ની જાણકારી આપીને રાગી, બાજરો, જુવાર વગેરેનું શારીરિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ સમજાવ્યું હતું.આ કિશોરી મેળામાં સુકન્યા સમૃધ્ધી યોજના, ઔદ્યોગીક તાલીમ સંસ્થા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, અભયમ મહિલા હેલ્પ લાઇન, મહિલા સ્વધાર ગૃહ, આઇ.સી.ડી.એસ શાખા સહિતના મહિલાઓને લગતી માહિતી માટે 9 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના અંતે મહાનુભાવના હસ્તે અધુરો અભ્યાસ છોડેલી કિશોરીઓ પૈકી જેમણે પુનઃપ્રવેશ મેળવેલ હોય તેમને પ્રમાણપત્ર આપી, તેમજ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કિશોરીઓને શિલ્ડ આપી સન્માન કરાયું હતું.આ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર કલ્પનાબેન પટેલ,આશાબેન દલાલ,જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતનભાઈ પટેલ,જિલ્લા બાગાયત અધિકારી તથા મહિલા આયોગ અધિકારી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...