વિનામૂલ્યે પ્રવેશ:ખંભાતની સરકારી આદર્શ નિવાસી શાળામાં ધો.9 અને ધો.11(આર્ટસ)માં વિનામૂલ્યે પ્રવેશ ચાલુ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 10મી જૂન સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે

ખંભાત ખાતે આદર્શ નિવાસી શાળા (વિ.જા.)માં દરિયાકિનારે કુદરતના સાંનિધ્યમાં પ્રદૂષણ મુકત કેમ્પસમાં ધો. 9થી 12 સુધી અદ્યતન સગવડવાળી શાળામાં ધો. 9 અને ધો.11 (આર્ટસ)ના પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં અરજ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ 10મી જૂન સુધી ઓનલાઇન www.esamajkalyan.gujarat.gov.in પર અરજ કરવાની રહેશે.

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વિકસતી જાતિ, ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.), આણંદના નિયંત્રણ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સારૂં શિક્ષણ મળી રહે તે હેતુથી ખંભાતની આદર્શ નિવાસી શાળા (વિ.જા.)માં ધો. 9 અને ધો.11 (આર્ટસ)માં પ્રવેશ ચાલુ કરવામાં આવ્યો છે.

આ શાળા (વિ.જા.)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીએ અગાઉના ધોરણમાં 50 ટકાથી વધુ ગુણ, વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ હોવી જરૂરી છે.વિદ્યાર્થીઓએ 10મી જુન સુધી ઓનલાઇન www.esamajkalyan.gujarat.gov.in પર અરજ કરવાની રહેશે.

આ શાળામાં એસઈબીસી (બક્ષીપંચ), એસસી, એસટી તેમજ ઈબીસી વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીને શિક્ષણ, પુસ્તકો, બુટ-મોજા, ગણવેશ, સાબુ, કોપરેલ, સ્ટેશનરી વિગેરે છાત્ર નિવાસ માટેની તમામ સુવિધાઓ સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરેલ હશે તે જ પ્રવેશ મેળવવાને પાત્ર રહેશે તેમ આણંદના જિલ્લા સમાજ અધિકારી (વિ.જા.)એ એક યાદી દ્વારા જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ અંગે જો કોઇ વધુ માહિતી કે જાણકારી મેળવવી જરૂરી હોય તો તેઓને આદર્શ નિવાસી શાળા (વિ.જા.) ખંભાતના આચાર્યનો મોબાઇલ નંબર 9824741281, આણંદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના ફોન નંબર –02692-264413 કે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીના મોબાઇલ નંબર : 9409616132 પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...