વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયના પીએચડીમાં દલિત વિદ્યાર્થીના પ્રવેશ મુદૃે કોકડું ગુંચવાયેલું જ રહ્યું છે. મંગળવારથી નેક કમિટી ત્રણ દિવસની મુલાકાતે આવી રહી છે ત્યારે તે અગાઉ વિદ્યાર્થીને પ્રવેશ આપી દેવાને લઈને રવિવારે બપોરે જ ડીઆરએસીની કમિટી મળી હતી. જેમાં વિદ્યાર્થીને પ્રવેશ અને તેને ગમતા ગાઈડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીએ પણ કેસ પાછા ખેંચવા સહિત તમામ મુદૃે બાંહેધરી આપી હતી, જે અંગે ઠરાવ પણ કરાયો હતો. જેને પગલે વિદ્યાર્થીએ તેનું આંદોલન સમેટી લીધું હતું.
જોકે, બીજી તરફ રવિવારે રાત્રે આઠ વાગ્યે યુનિવર્સિટી દ્વારા પુન: એક પત્ર જારી કરવામાં આવ્યો હતો અને તેમાં જ્યાં સુધી વિદ્યાર્થી યુનિવર્સિટી સામે કરેલા કેસ પાછા નહીં ખેંચે ત્યાં સુધી પ્રવેશ નહીં આપવામાં આવે તેમ લખીને આપ્યું હતું. જેને કારણે વિદ્યાર્થીએ પોતાની સાથે યુનિવર્સિટીએ છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પૂર્વ સિન્ડીકેટ સભ્યે પણ રોષ વ્યક્ત કરી લેખિતમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ડીઆરએસી સમક્ષ કબૂલાત પછી યુનિવર્સિટીને પ્રવેશ આપવાનો વાંધો શું છે.
નોંધનીય બાબત તો એ છે કે, સમગ્ર મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કેટલાં દિવસમાં પ્રવેશ આપવામાં આવશે અને કેટલાં દિવસમાં તેણે કેસ પરત ખેંચવાના રહેશે તે બાબતે કોઈ પણ પ્રકારનો ફોડ પાડવામાં આવ્યો નથી. આ ઉપરાંત, વિદ્યાર્થીને પણ કોઈ પણ પ્રકારનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું નથી. જેને પગલે ન તો વિદ્યાર્થીએ કેસ પરત ખેંચ્યા છે ન તો વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. અને તેથી સમગ્ર મામલો ગુંચવાયેલો જ રહ્યો છે.
કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી પ્રવેશ નહીં
કમિટીમા નક્કી કરવામાં આવ્યું છે અને તેણે કમિટી સમક્ષ કબૂલ્યું પણ છે. પરંતુ વિદ્યાર્થી દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના તેણે કરેલા કેસ પાછાં ખેંચવામાં આવ્યા નથી. વિદ્યાર્થીએ હાલમાં જ્યાં પણ ફરિયાદો કરી છે, કલેક્ટર કચેરી તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં, ત્યાં જઈને કેસ પરત ખેંચવાની લેખિતમાં અરજી કરવાની રહેશે. જે તેણે રીસીવ્ડના સહી સિક્કા સાથે યુનિવર્સિટીમાં સોંપવાની રહેશે, એ પછી જ તેને પ્રવેશ આપવામાં આવશે. ત્યાં સુધી વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. >ભાઈલાલભાઈ પટેલ , રજિસ્ટાર, સરદાર પટેલ યુિનવર્સિટી.
મને ફરી અન્યાય કરે એમ લાગે છે, મને હવે યુનિવર્સિટી પર વિશ્વાસ રહ્યો નથી
યુનિવર્સિટી દ્વારા બપોરે ડીઆરએસીની કમિટી બોલાવીને સમગ્ર મામલે મને પ્રવેશ અને ગાઈડ ફાળવવાનો નિર્ણય કરાયો હતો. આ અંગેનો ઠરાવ પણ કર્યો છે. જેમાં મેં સહમતિ આપી છે. હવે, જ્યાં સુધી પ્રવેશ નહીં અપાય ત્યાં સુધી હું કેસ પાછા નહીં ખેંચુ. ડીઆરએસી સમક્ષ મેં લેખિતમાં કબુલ્યું છે છતાં હજુ પણ મને પ્રવેશ આપવામાં આવ્યો નથી. મને ફરી અન્યાય થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. મને યુનિવર્સિટી પર વિશ્વાસ નથી. જો આમ જ રહેશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. -કાંતિભાઈ મકવાણા, પીડિત વિદ્યાર્થી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.