ભાસ્કર એક્સક્લુઝિવ:‘બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ વિખેરાઇ,નોરતામાં વરસાદ નહીં પડે’

આણંદ11 દિવસ પહેલાલેખક: કલ્પેશ પટેલ
  • કૉપી લિંક
  • 24 સપ્ટેમ્બરે હળવા વરસાદની શકયતા, ત્યાર બાદ ચોમાસુ વિદાય લેશે
  • આઠમ અને નોમના દિવસે વાદળો ઘેરાશે પણ વરશસે નહીં : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના
  • બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં

આણંદ -ખેડા જિલ્લા સહિત ગુજરાતમાં આ વખતે વરસાદ નવરાત્રિ બગાડશે તેવી આગાહી હવામાન વિભાગ સહિત નિષ્ણાંતોએ કરી હતી. જે તે સમયે પશ્વિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની હતી. જેના કારણે અગાઉ વરસાદની સંભાવના વર્તાઇ રહી હતી. પરંતુ વાતાવરણમાં પલટો આવતાં જ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ વેર-વિખેર થઇ ગઇ છે. જેના કારણે હવે ચરોતર સહિત મધ્ય ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદની નહીંવત સંભાવના આણંદ કૃષિ હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી ડો. મનોજ લુણાગરિયાએ કરી છે.

આગામી 24મી સપ્ટેમ્બરે સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. ત્યારબાદ ચોમાસાની વિદાય થવાની સંભાવના છે. નવરાત્રિની આઠમ અને નોમના દિવસે કેટલાંક વિસ્તારોમાં આંશિક વાદળો ઘેરાશે. પરંતુ વરસાદની કોઇ સંભાવના નથી. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં સામાન્ય છાંટા પડવાની સંભાવના છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે. હાલમાં માત્ર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય હતી તે પણ ગરમ પવનોને કારણે વેર-વિખેર થઇ ગઈ છે. તેના કારણે આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની સંભાવના નહીંવત છે. તેમજ નજીકના દિવસોમાં કોઇ સિસ્ટમ તૈયાર થઇ રહી હોવાના કોઇ એંધાણ નથી. નવે નવ દિવસ તાપમાન સામાન્ય રહેશે. ત્યારબાદ રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

નવરાત્રિમાં ગરમીનો પારો 34 ડિગ્રી આસપાસ રહેશે
આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે સપ્તાહ સુધી મહતમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે જયારે લઘુતમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેશે. તો વળી સામાન્ય વાદળો રહેવાની સંભાવના છે. જયારે 5 ઓકટોબર બાદ ચોમાસાની વિદાય થવાની સંભાવના છે.

છેલ્લા 10 વર્ષમાં નવરાત્રિમાં ત્રણ વખત વરસાદ
આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા 10 વર્ષના આંકડા પર નજર કરી તો જે વર્ષે નવરાત્રિ સપ્ટેમ્બર માસમાં ત્રીજા વીક શરૂ થઇ ત્યારે વરસાદ પડયો છે. જયારે ઓકટોબરમાં માસમાં નવરાત્રિ શરૂ થઇ ત્યારે વરસાદ પડયો નથી. આણંદ-ખેડા જિલ્લામાં 2016માં નવરાત્રિના ત્રીજા અને ચોથા દિવસે સામાન્ય વરસાદ વરસ્યો હતો. જયારે 2018માં આઠમે વરસાદ વરસ્યો હતો. અને 2020માં નવરાત્રિમાં સામાન્ય વરસાદી છાંટા પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...