ચીના હત્યા કેસ મામલો:આણંદમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી પેરોલ પર છુટ્યા બાદ થયો ફરાર, પોલીસે ગુનો દાખલ કરી ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જેલમાં આજીવન કેદ દરમિયાન 28 દિવસના પેરોલ પર છુટ્યો હતો
  • સલીમ ઉર્ફે વકીલ અબ્દુલગની વ્હોરાને 24મી મે, 21ના રોજ વડોદરા જેલ પર હાજર થવાનું હતું

આણંદ શહેરમાં વર્ષ 2008 દરમિયાન ચકચારી ચીના હત્યા કેસમાં સંડોવાયેલો કેદી પેરોલ પર છુટ્યા બાદ ફરાર થઇ જતાં ચકચાર મચી છે. આણંદમાં ડોનની ઇમેજ ધરાવતા મહંમદબેગ મીરઝા ઉર્ફે ચીના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતો સલીમ વકીલ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. જેથી જેલ પ્રસાસન અને પોલીસ તંત્ર દોડતું થયું છે. વડોદરા જેલરે ફરિયાદ કરતા આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ફરાર કેદીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આણંદ શહેરના પૂર્વ કાઉન્સીલર મહંમદબેગ મીરઝા ઉર્ફે ચીનાનું 2008માં જુના દાદર ખાતે કેટલાક શખ્સોએ તલવાર, છરા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરી હત્યા કરી નાંખી હતી. આ ઉપરાંત તેના ભાઈ નસરોદ્દીન ઉર્ફે નસરો સહિત અન્યોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

આ ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપી સલીમ ઉર્ફે વકીલ અબ્દુલગની વ્હોરા (રહે.ગોલ્ડન સોસાયટી, આણંદ)ની સામેલગીરી સાબિત થતા કોર્ટે તેને આજીવન કેદ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકર્યો હતો. આ સજા દરમિયાન સલીમને 28 દિવસ માટે પેરોલ પર રજા આપવામાં આવી હતી. જેને 24મી મે, 21ના રોજ વડોદરા જેલ પર હાજર થવાનું હતું. પરંતુ તે હાજર થયો ન હતો અને ફરાર થઇ ગયો હતો. આ અંગે મધ્યસ્થ જેલ, વડોદરાના પી.પી.પાંડોરે આણંદ શહેર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...