181ની સરાહનીય કામગીરી:આણંદમાં અભયમના પ્રયત્નોથી પતિ-પત્નીના અબોલા તૂટ્યા, વહેમ દૂર થયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં મધ્યમવર્ગીય પરિવારમાં દારૂના રવાડે ચઢી ગયેલ પતિ પત્નિને મારઝૂડ કરતો અને તેના ચારિત્ર્ય ઉપર શંકા દાખવી નોકરી પણ છોડાવી દીધી હતી.ઘરમાં નાની નાની બાબતોમાં ઝગડા વધતા તહેવારના દિવસોમાં પતિ પત્ની વચ્ચે અબોલા થઈ ગયા હતા.આ અંગે આ અંગે પત્નીએ અભયમને જાણ કરતાં ટીમ ઘરે પહોંચી હતી અને દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

આણંદમાં રહેતા મધ્યમવર્ગીય દંપતી વચ્ચે દિવાળીના તહેવારના દિવસોમાં જ મોટો ઝઘડો થયો હતો. આઠ વર્ષના લગ્ન જીવનમાં તેમને સંતાનોનો જન્મ પણ થયો છે. પરિવારમાં પતિ – પત્ની અને સાસુ સાથે રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિને દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી અને તે અવાર નવાર ઘરે નશો કરીને આવે અને ગમે તે કારણ કાઢી ઝઘડો કરતો હતો.

તેમાંય બે મહિના પહેલા કોઇએ ચઢવણી કરી હતી કે, તારી પત્ની તો પર પુરૂષ સાથે ઉભી રહે છે. આથી, શંકાશીલ પતિએ પત્નિની નોકરી પણ છોડાવી દીધી હતી. હજુ મામલો શાંત પડ્યો નહતો ત્યાં દિવાળીના તહેવાર દરમ્યાન પરિણીતાએ શાક ન બનાવતા પતિ ઉશ્કેરાયો હતો અને શાક કેમ બનાવ્યું નથી ? તું કામ કરતી નથી, મારી માતા બધુ કામ કરે છે. તેમ કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતાં બન્ને વચ્ચે અબોલા થયાં હતાં. એટલે સુધી કે નવા વર્ષના દિવસો દરમ્યાન પણ બન્ને એકબીજા સાથે બોલતાં નહતાં. આથી, પત્નીએ કંટાળી અભયમને જાણ કરી હતી.

જેના પગલે ઘરે પહોંચેલી ટીમે પતિ અને સાસુનુ કાઉન્સીલીંગ કરી સમાધાન કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે, દંપતી વચ્ચેના આ ઝઘડાના કારણે પરિવારના સભ્યો સવારથી જમ્યાં પણ નહતાં. જેથી સમાધાન બાદ તમામે સાથે ચા પીધી હતી. આ ઉપારંત પતિએ પણ પરિણીતાને નોકરી કરવાની સહમતી દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...