પ્રેમસંબંધમાં હત્યા થયાની આશંકા:ધર્મજમાં યુવકની ગળું દબાવી હત્યા કરવામાં આવી, ગટરમાંથી લાશ મળ્યા બાદ PM રિપોર્ટમાં ખુલાસો થયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદ – ખંભાત રોડ પર આવેલા ધર્મજ ગામની સીમમાં આવેલી ખાનગી કંપની પાસે ગટરમાં યુવકની લાશ મળી આવી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેમાં ગળુ દબાવી હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું ખુલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવક પંચમહાલનો છે. જોકે, હત્યા ક્યા કારણોસર કરવામાં આવી ? અને કોણે કરી ? તે બાબતે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

ધર્મજ ગામની સીમમાં રોડની સાઈડની ગટરમાંથી શુક્રવારના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો લઇ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મરનાર યુવકની ઉંમર 36 વર્ષની આસપાસની હતી અને ગળાના ભાગે ચકામાના નિશાન મળી આવ્યાં હતાં. આથી, ગળું દબાવી હત્યા કરાઇ હોવાની શંકા ઉપજી હતી. આથી, પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેના રિપોર્ટમાં પણ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી, હત્યાનો ગુનો નોંધી પેટલાદ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પેટલાદ ગ્રામ્ય પોલીસે મૃતદેહની ઓળખવિધિ હાથ ધરી હતી. જેમાં તે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામનો વિનુભાઈ નરવતભાઈ બારીયા હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, તે છેલ્લા ઘણા સમયથી ખંભાત શહેરના શક્કરપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે પોલીસે તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ પેટલાદ દોડી આવ્યાં હતાં. આગળની તપાસમાં વિનુ ફાયનાન્સ કંપનીમાં હપ્તાના રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો. છેલ્લા બે મહિનાથી તેણે નોકરી પણ છોડી દીધી હતી. તેના લગ્ન થઇ ગયાં હતાં, પરંતુ પત્ની સાથે મનમેળ ન હોવાથી તે પણ દસ વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધાં હતાં. બાદમાં તે શક્કરપુર ગામે રહેતો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વિનુ બારીયા છેલ્લા ઘણા સમયથી એકલો જ રહેતો હતો. તેને કોઇ સાથે અંગત અદાવત કે ઝઘડો નહતો. પરંતુ શક્કરપુરમાં મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેને લઇ હત્યા થઇ હોવાનું અનુમાન છે. આમ છતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...