ક્રાઇમ:કારમાં લિફ્ટ લેનારા વાળંદાપુરાના યુવકે ખેડૂતના 10 હજાર ચોર્યા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી

તારાપુર તાલુકાના વાળંદાપુરાના ખેડૂતે ગામના યુવકને કારમાં લિફ્ટ આપી હતી. જ્યાં તકનો લાભ લઈ કારના ખાનામાં મૂકેલા રોકડા રૂપિયા 10 હજાર તેણે ચોરી લીધા હતા. જે અંગેની જાણ તેમને થતાં તેમણે આ મામલે તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.તારાપુર તાલુકાના વાળંદાપુરા ગામે ચૌહાણ ફળીયામાં બલદેવદાસ બાલારામ સાધુ રહે છે. ગત 24મી સપ્ટેમ્બરે તેઓ પોતાની કારમાં રોકડા રૂપિયા 50 હજાર લઈને ગાડીનો હપ્તો ભરવા તેમજ અનાજ કરીયાણું ખરીદવા માટે તારાપુર જવા નીકળ્યા હતા.

દરમિયાન, રસ્તામાં ઈન્દિરા કોલોની રોડ પર તેમને દિનેશ ભયલાલ નાયક નામનો ગામનો યુવક મળ્યો હતો. તેણે કારમાં લિફ્ટ માંગતા તેને કારમાં બેસાડ્યો હતો. દરમિયાન, દિનેશને કાર ચલાવતા આવડતું હોય તેમણે દિનેશને કાર ચલાવવા આપી હતી અને તારાપુર ગયા હતા. જયાં બલદેવદાસને કારનો હપ્તો ભરવાનો હોઈ રૂપિયા 50 હજારમાંથી બલદેવદાસ સાધુએ રૂપિયા 31 હજાર અલગ કરેલા અને બાકીના રૂપિયા 20 હજારમાંથી રૂપિયા 10 હજાર કારની આગળના ખાનામાં અને રૂપિયા 9 હજાર પોતાના ખિસ્સામાં મુક્યા હતા. કારના હપ્તાના નાણાં જમા કરાવ્યા બાદ બંને જણાં કાર લઈને તારાપુર મોટી ચોકડી ગયા હતા.

બીજી તરફ તેમના મિત્રનો ફોન આવતાં તેઓએ તેને મળવા માટે બોલાવ્યા હતા. એ સમયે તેમણે તેમની કારને પેટ્રોલ પુરાવવા માટે દિનેશને આપી હતી. જ્યાં દિનેશે તકનો લાભ લઈ ખાનામાંથી રૂપિયા દસ હજાર કાઢી લીધા હતા. આ અંગેની જાણ પછીથી બલદેવદાસને થતાં તેમણે તેની પૂછપરછ કરી હતી. શરૂમાં ગલ્લાં તલ્લાં બતાવ્યા બાદ આખરે તેણે પૈસા પરત આપી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ વાતને ઘણો સમય થવા આવ્યો હોવા છતાં પણ પૈસા પરત ન આપતાં આખરે તેમણે આ મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...