પેટલાદના સાંઇનાથ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને સોશ્યલ મિડિયા પર ટાસ્ક આપી જંગી નાણા આપવાનું લાલચ આપી રૂ.24,150 ત્રણ ગઠિયાએ ખંખેરી લીધાં હતાં. આ અંગે યુવકે પેટલાદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
પેટલાદની સાંઇનાથ પાર્ક સોસાયટીમાં રહેતો સાગરકુમાર ભુપેન્દ્રભાઈ પંજાબી બાકરોલ ખાતે આવેલી આર.કે.વેબ સોફ્ટમાં નોકરી કરે છે. તેના મોબાઇલમાં સોશ્યલ મિડિયા પર 16મી માર્ચ,2023ના રોજ સાંજના છએક વાગે મેસેજ આવ્યો હતો અને સૈલી ટંડેલ નામના એકાઉન્ટમાંથી ટાસ્ક આપવામાં આવ્યો હતો. જોકે, આ ટાસ્ક માટે રૂ.1200 ભરી સભ્ય થવા જણાવ્યું હતું. બાદમાં આગળની સ્કીમ જણાવવામાં આવશે. જેથી સાગરે ઓનલાઇન નાણા ટ્રાન્સફર કર્યાં હતાં. બાદમાં ટાસ્કમાં એન્ટર થવા માટે વધુ રૂ.1500 માંગ્યાં હતાં. જે ભરી દેતા અન્ય શખસના એકાઉન્ટને ફોલો કરવા જણાવ્યું હતું. જે ફોલો કરતાં વિવિધ વિકલ્પ આપ્યાં હતાં. જેમાં સાગરે રૂ.18,850 વાળો ટાસ્ક પસંદ કર્યો હતો. જે ટાસ્ક પુરો થતા રૂ.24,450 મળશે તેમ જણાવ્યું હતું. જોકે, 18,850 રકમ ભરતાં મર્યાદા પુરી થઇ ગઇ છે. તેમ જણાવી પેનલ્ટીના રૂ.2600 માંગ્યાં હતાં. જે નાણા ભર્યા છતાં ટાસ્ક મળ્યો નહતો. આખરે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તુરંત સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ આપી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે ત્રણ અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.