આણંદમાં સુથારી કામ કરતાં યુવકે દીકરીના ઓપરેશન માટે ચાર વર્ષ પહેલા રૂ. દોઢ લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ મહિને દસ ટકા વ્યાજ વસુલ્યું હતું. આ ઉપરાંત હપ્તો ન ભરી શકતાં દાગીના, મોબાઇલ સહિતનો સરસામાન જપ્ત કરી લીધો હતો. આ અંગે શહેર પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.
આણંદ શહેરની ગણેશ ચોકડી પર અમીશ્રુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અને સુથારી કામ કરતાં લલિત જગદીશભાઈ મિસ્ત્રીની દીકરી ધ્યાનીને જન્મથી જ હોઠ તથા તાળવાના ભાગે બે કટ હોય તેની સારવાર માટે નાણાંની જરૂર પડી હતી. આથી, તેઓએ મિસ્ત્રી સમાજના જીગ્નેશ ચેતન મિસ્ત્રી (રહે. લોટીયા ભાગોળ, આણંદ) પાસેથી ચાર વર્ષ પહેલા રૂ. દોઢ લાખ લીધાં હતાં. આ સમયે મહિને દસ ટકા લેખે રૂ.15 હજારનો હપ્તો નક્કી કર્યો હતો. જોકે, સુથારી કામની રોજી મળતી ન હોવાથી યેનકેન પ્રકારે રૂ.15 હજારનું વ્યાજ ભરતાં હતાં. જોકે, મહિનામાં સમયસર વ્યાજ ન ભરતી શકતાં જીગ્નેશ ઉશ્કેરાયો હતો અપશબ્દ બોલી જેલમાં પુરી દેવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત કાર, પત્નીના દાગીના, મોબાઇલ, બાઇક બધુ જ વ્યાજ પેટે લઇ ગયાં હતાં. આ ઉપરાંત અવાર નવાર ઉઘરાણી કરી ચાર કોરા ચેક પણ લખાવી લીધાં હતાં.
બીજી તરફ લલિત મિસ્ત્રી નાણા ભરી ન શકતાં તેઓએ મિતેશ રાજેશ (રહે. વઘાસી) ની ઓળખાણ કરાવી હતી. તેણે પણ રૂ.1.30 લાખ દસ ટકા માસિક વ્યાજે આપ્યાં હતાં. રાજેશે રૂ.50ના કોરા સ્ટેમ્પ પર લખાણ કર્યું હતું. આ ઉપરાંત ડબલ રકમના ચેક પણ લખાવ્યાં હતાં. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જીગ્નેશ ચેતન મિસ્ત્રી અને રાજેશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.