પેટલાદ તાલુકાના ચાંગા કોલેજ ચોકડી પાસે ફાસ્ટફૂડની લારી ચલાવનારા યુવક પાસેથી એક દુકાનદાર અને તેના મિત્ર સહિત અનેકે અવાર-નવાર નાસ્તો કરી રૂપિયા 15 હજારનું દેવું કર્યું હતું. જોકે, તે નાણાંની ચૂકવણી કરતો નહોતો. જેને પગલે યુવકે તેની પાસેથી પૈસાની ઊઘરાણી કરતાં શખસોએ યુવકને માર મારી તેની લારીમાં ટ્રેકટરથી તોડફોડ કરી હતી. વધુમાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વસો તાલુકાના થરેડી ગામે રહેતા મેહુલભાઈ હસમુખભાઈ પટેલ ચાંગા કોલેજ ચોકડી પાસે ફાસ્ટફૂડની લારી ચલાવે છે. છ મહિના પહેલા દર્શન કોમ્પલેક્ષમાં ડભોઉ ગામે રહેતા રુચિત પરેશભાઈ પટેલ નામના યુવાને ઓફિસ ભાડે રાખી હતી. જ્યાં તેઓ વાહનો પાછા ખેંચવાનું કામ કરતા હતા. તેમણે મેહુલભાઇને કહ્યું હતું મારી ઓફિસમાંથી જે પણ કર્મચારી તમારે ત્યાં નાસ્તો કરવા આવે તમારે તેમની પાસેથી પૈસા લેવા નહીં અને મહિનાના અંતે મારી પાસેથી પૈસા લઈ જવા. એટલે મેહુલભાઈ તેમના માણસોને નાસ્તો આપતા હતા. ઘણી વખત રૂચિત અને તેમના ભાઈ કુણાલ પણ આવીને નાસ્તો કરી જતા હતા. જેને પગલે આ ઉઘરાણી રૂપિયા 15 હજાર પર પહોંચી હતી.
એક મહિના પછી કુણાલ અને તેમનો ભાઈ રૂચિત આ ઓફિસને બંધ કરીને ચાલ્યા ગયા હતા. અને ઉઘરાણી આપતા નહોતા. પરંતુ અવાર-નવાર મેહુલ તેમને ફોન કરીને પૈસા માંગતો હતો. જેને પગલે બુધવારે સાંજે મેહુલ પોતાની લારી પર હાજર હતો ત્યારે બંને ભાઈઓ ટ્રેક્ટરની ટ્રોલી સાથે આવ્યા હતા અને તેની લારીમાં તોડફોડ કરી હતી. વધુમાં તેને માર મારી જાનથી મારી નાંખવાની અને પૈસાની ઊઘરાણી ન કરવા ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.