તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાજસ્થાનથી દર્શન કરીને પરત ફરતા અકસ્માત, આણંદના બોરીયાવી નજીક બંધ કારમાં પાણી લેવા જતા ટ્રક હડફેટે લેતા યુવકનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્રો સાથે રાજસ્થાન રામદેવરા દર્શન કરી પરત આવતા સમયે બોરિયાવી પાસે એક્સપ્રેસ વે પર ગાડી બંધ પડી ગઈ હતી

આણંદ ખાતે રહેતા પાંચ મિત્રો રાજસ્થાન રામદેવરા દર્શન કરી કારમાં પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન શહેરથી થોડે દુર બોરીયાવી ગામની સીમમાં એક્સપ્રેસ વે પર કાર બગડી હતી. આથી, તેને રોકી ટોઇંગ વાનની રાહ જોતા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે કારને હડફેટે ચડાવી હતી. આ સમયે ત્યાં એક મિત્ર કારમાં પાણી લેવા ગયો હતો તેને પણ ટ્રકે કચડી નાંખતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આણંદની ગણેશ ચોકડી પાસે રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં કિરણભાઈ રમણભાઈ ચાવડા તેમની ખાનગી કારમાં 30મી જૂનના રોજ રાજસ્થાન રામદેવરા દર્શન કરવા નીકળ્યાં હતાં. આ સમયે તેમની સાથે તેમના મિત્રો ભાવેશ મગનભાઈ ભોઇ, હર્ષદ ચંદુભાઈ પ્રજાપતિ, કિરણ રમણભાઈ ચાવડા અને નયનકુમાર ચંડુભાઈ વંડરા પણ હતાં.

તેઓ સૌ બીજા દિવસે દર્શન કરી તેઓ પરત આણંદ આવવા નીકળ્યાં હતાં. દરમિયાનમાં અગીયારેક વાગ્યાના સુમારે આણંદ નજીક જ બોરીયાવી ગામની સીમમાં એક્સપ્રેસ વે પર કાર ગરમ થઇ જતા બંધ પડી ગઈ હતી. કારને રોડની સાઇડમાં પાર્ક કરી મિત્રો સાઇડમાં રેલીંગ પર બેઠાં હતાં. દરમિયાનમાં નયનકુમારને તરસ લાગતા તેઓ કારમાં પાણી લેવા ગયાં હતાં.

મહત્વનું છે કે આ જ સમય દરમ્યાન પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે નયનકુમાર અને કાર બન્ને હડફેટે ચડાવ્યાં હતાં અને બીજા મિત્રો હજુ કંઇ સમજે કે વિચારે તે પહેલા ટ્રકના તોતિંગ વ્હીલ નયનકુમાર પર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી હતપ્રભ મિત્રોએ તુરંત ટ્રક રોકી તેના ચાલકને પકડી પાડ્યો હતો. પુછપરછ કરતાં તે જીવનસિંહ કમલસિંહ સિસોદીયા હોવાનું જણાવ્યું હતું. જેને પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે જીવનસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો
અકસ્માત બાદ ટ્રક ચાલકે થોડે આગળ જઈને પોતાની ટ્રક ઉભી રાખી હતી. ત્યારે ટ્રક ચાલકને યુવકોએ ભેગા મળી ઝડપી પાડ્યો હતો. તેના નામ-ઠામની પૂછપરછ કરતાં તે જીવણસિંહ સિસોદિયા હોવાનું જણાવ્યું હતું. હાલમાં કિરણભાઈની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી
આણંદના લોટીયા ભાગોળ ખાતે રહેતા મૃતક નયનકુમાર વરંડા છૂટક પરદા બનાવવાનું કામકાજ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 17 વર્ષીય અને 13 વર્ષીય બે પુત્ર છે. તેમના અકાળે મોતને પગલે બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...