આંકલાવ તાલુકાના ગંભીરા ગામે ગઈકાલે રવિવારના રોજ પાનના ગલ્લા પર મસાલો લઇ ઘરે પરત ફરી રહેલા યુવકને પાછળથી બાઇકે ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે આંકલાવ પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
ગંભીરા ગામે રહેતા શશીકાંત ગણપતભાઈ પઢીયારનો પુત્ર ચિરાગ (ઉ.વ.19) 6ઠ્ઠી માર્ચ, 2022ના રોજ સીમંત પ્રસંગે બોચાસણ ગામે મામાના ઘરે ગયો હતો. જ્યાંથી સાંજે તે પરત ફર્યો હતો. આ દરમિયાન તે ગંભીરા ગામે બસ સ્ટેન્ડ પાસે પાનના ગલ્લા પર મસાલો ખાવા માટે આવ્યો હતો. જ્યાંથી મસાલો લઇ ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યારે ગંભીરા ચોકડી તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી બાઇકના ચાલકની બેદરકારીના કારણે ચિરાગને પાછળથી જોરદાર ટક્કર વાગી હતી.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ચિરાગ સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. આથી તેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે બાઇક ચાલક શક્તિસિંહ ફતેસિંહ પઢીયાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.