તપાસ:અમદાવાદ મોબાઈલનો સામાન લેવા ગયેલો મોગરીનો યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTV ફૂટેજમાં છેલ્લું લોકેશન કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતો હોવાનું મળ્યું

આણંદ શહેર પાસેના મોગરી ગામે રહેતો 23 વર્ષીય યુવક મોબાઈલ રીપેરીંગનો સામાન લેવા માટે ગત રવિવારે અમદાવાદ ગયો હતો. દરમિયાન, બપોરે બાર વાગ્યા બાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યા બાદ આજ દિન સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. ચિંતિત પરિવાર અને મિત્ર-સંબંધી દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન પરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોતાં તેનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન તરફ જતો હોવાનું આવ્યું હતું. હાલમાં આણંદ શહેર પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોગરીના નાની ભાગોળ ખાતે રહેતો 24 વર્ષીય શ્રુજલ વિક્રમ પટેલ કરમસદ ખાતે મોબાઈલ-લેપટોપ રીપેરીંગનો વ્યવસાય કરે છે. તેના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે જયારે માતા ગૃહિણી છે. દંપતીનું એકનું એક સંતાન છે. ગત રવિવાર, 27મી ફેબ્રુઆરીના રોજ યુવક મોબાઈલ રીપેરીંગનો સામાન લેવા માટે અમદાવાદ ગયો હતો.

દરમિયાન, બપોરે બે વાગ્યાની આસપાસ તેના પિતા વિક્રમભાઈએ ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અવાર-નવાર તેના મોબાઈલ પર સંપર્ક કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતાં ચિંતાતુર પરિવારે તેના મિત્રોનો સંપર્ક કર્યો હતો. મિત્ર-સગા-સબંધી અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કાલુપુર રેલવે સ્ટેશન પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસાતાં છેલ્લું લોકેશન તેનું કાલુપુર રેલવે સ્ટેશન આવ્યું હતું. ઉપરાંત, તે રેલવે સ્ટેશન તરફ આવતો હોવાનું જણાયું હતું. જોકે, એ પછી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

આણંદ પોલીસની ધીમી કાર્યવાહીથી પરિવાર પરેશાન
આણંદ પોલીસની ધીમી કાર્યવાહીથી પરિવાર ચિંતિત બન્યો છે. પરિવાર જ્યારે યુવક ગુમ થયો એની જાણ કરવા માટે જ્યારે તેઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશને ગયા ત્યારે તેમને આણંદમાં જાણ કરવા માટે જણાવ્યું હતું. એ પછી તેઓ આણંદ ગયા ત્યારે ત્યાં પણ તેમને બે દિવસ ગોળ-ગોળ ફેરવ્યા બાદ તેમની જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી હતી. જેને લઈને પરિવારને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...