સ્વચ્છતા અભિયાન:આણંદના ગામડાંઓને સ્વચ્છ બનાવવા ગામદીઠ સમિતિ બનાવવામાં આવશે

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની ઋતુ પહેલાં ગટરલાઇનની સફાઈ, તળાવ, નાળાં, સોકપીટ બનાવવાની કામગીરી હાથ ધરાશે

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે ગામદીઠ સ્વચ્છ પંચાયત સમિતિ બનાવવામાં આવશે. લોકોના જીવનમાં સ્વચ્છતાનો મંત્ર ઉતરે, સાચે જ સ્વચ્છ અને સ્વસ્થ ગામ બને, સ્વચ્છતા વિશે જનજનમાં જાગૃતિ કેળવાય, સામુદાયિક લોકકલ્યાણની ભાવના કેળવાય, સમાજના તમામ લોકો સાચા મનથી સ્વચ્છતાની કામગીરીમાં સહભાગી બને, સ્વચ્છતા પ્રત્યેનો હકારાત્મક અભિગમ ઉજાગર થાય, લોકોની જીવનશૈલીમાં સુધારો આવે અને માનસિક બદલાવ લાવવાના પ્રયાસના ભાગરૂપે તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છ પંચાયત સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિની બેઠક દર ત્રણ માસે યોજવામાં આવશે. જે સમિતિ દ્વારા સ્વચ્છતા અંગેના કામો હાથ ધરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ યોજના અંતર્ગત ખુલ્લામાં શૌચમુકત સાતત્યતાને જાળવી રાખવા તથા ધન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે એટલે કે ઓડીએફથી ઓડીએફ + તરફ વધુ એક ડગ માંડવા માટે કેન્દ્રિય કેબીનેટ દ્વારા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ-રને મંજૂરી આપવામાં આવી છે. જેનો અમલ વર્ષ-2020થી 2024-25 સુધી રહેશે. જે અતંર્ગત આણંદ જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છ પંચાયત સમિતિની રચના કરવામાં આવશે.

આ સ્વચ્છ પંચાયત સમિતિમાં ગામના લોકો દ્વારા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ, તલાટી-કમ-મંત્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં મહિલા અને પુરૂષ સભ્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ, પ્રાથમિક શાળાના શિક્ષક, આંગણવાડી કાર્યકર, સખી મંડળના સક્રિય સભ્ય, ગામના સક્રિય આગેવાન, સહકારી મંડળીના સભ્ય તેમજ સ્વચ્છતાગ્રહી લોકોનો સમાવેશ કરી નિમણૂંક આપવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ સભ્યો શૌચાલયનો ઉપયોગ કરે, જાહેર રસ્તાઓ, જાહેર માલ-મિલ્કત તેમજ જાહેર સ્થળોની સફાઇ કરાવવાની સાથે, રોજિંદા ઉત્પન્ન થતા ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ થાય, શાળાઓ-આંગણવાડીઓમાં નિયમિત સાફ-સફાઇ થાય, તેના પ્રચાર-પ્રસારની કામગીરી થાય તેમજ 15 (પંદર)માં નાણાંપંચ હેઠળ સ્વચ્છતા અંતર્ગત ફાળવવામાં આવતી ગ્રાંટનો મહત્તમ ઉપયોગ થાય તે માટેની કામગીરી અને પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત આગામી ચોમાસાની ઋતુ પહેલાં ગામના મુખ્ય જાહેર રસ્તાઓની સફાઇ, ઝાડ-છોડની કાપણીની સફાઇ, ગટરલાઇન, તળાવ, નાળાં, સોકપીટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જયારે જરૂર જણાયે જે લોકો જાહેર રસ્તાઓ કે જાહેર સ્થળોએ ગંદકી કરતાં કુટુંબો/વ્યકિતઓ માટેની દંડની જોગવાઇ કરી તેનું અમલીકરણ કરવાની સાથે ગામના સ્વચ્છતા વિષયક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે માટે સ્વચ્છત ગ્રામ પંચાયતનો એકશન પ્લાન બનાવી તેનો અમલ કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ ઓડીએફ થી ઓડીએફ+નો દરજ્જો ટકાવી રાખવા માટે આ કાર્યક્રમનો અસરકારક અમલ કરવાની સાથે તેનું સુચારૂં અમલીકરણ થાય, સ્વચ્છ પંચાયત સમિતિની કાર્યપ્રણાલિને નાગરિકો સમજે તે હેતુથી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને સરપંચઓને પત્ર પાઠવ્યો હોવાનું જણાવી સ્વચ્છ પંચાયત સમિતિની કામગીરી દ્વારા જિલ્લાનું દરેક ગ્રામ સ્વચ્છ બને અને લોકો સ્વચ્છતા પ્રતિ જાગૃત થાય તે માટે સ્વચ્છતાનો સંદેશો ગામે-ગામ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હોવાનું આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...