આણંદ પાસેના નેશનલ હાઈવે નંબર 8 સ્થિત વાસદ ગામ પાસેથી પોલીસે બાતમીના આધારે 5.387 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે વડોદરાના શખસને લક્ઝુરીયસ કારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 21.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરાના સમા સાવલી રોડ સ્થિત ક્રિશ્ના વેલી ફ્લેટમાં અશ્વિન ઉર્ફે જલો નટુ ઠક્કર રહે છે. તે રોડ કરવાની કામગીરીના કોન્ટ્રાક્ટ લે છે. જોકે, છેલ્લાં કેટલાંય સમયથી તે ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હતો. દરમિયાન, શખસ અમદાવાદથી વડોદરા તેની કારમાં ડ્રગ્સ સાથે પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી આણંદ એસઓજીને મળી હતી. જેના પગલે પોલીસે વાસદ પાસે વોચ ગોઠવી શખસને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડપ્યો ત્યારે તેને ઝડપ્યો ત્યારે તેના જીન્સ પેન્ટના પાછળના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની જીપ લોકમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસ તપાસમાં તે 5.387ની કિંમતનું 5387 ગ્રામ ડ્રગ્સ હતું. પોલીસે તેની પાસેની રોકડ રકમ, ડ્રગ્સ, લક્ઝુરીયસ કાર મળી કુલ રૂપિયા 21.56 લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોલીસને એક મોબાઈલ નંબર આપ્યો છે, જે મહેસાણાના નંદાસણ ગામે રહેતા વ્યક્તિનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરાના અશ્વિને તેની પાસેથી રૂપિયા 9 હજારમાં ડ્રગ્સ લીધું છે. હાલમાં પોલીસે તેની ધરપકડ કરી રવિવારે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
તમાકુની પડીકીઓમાં ડ્રગ્સ ભેળવીને ખાતો હતો
શખસની પ્રાથમિક પૂછપરછ કરતાં તેને અગાઉ દારૂનું વ્યસન હતું એમ કબુલ્યું હતું. એ પછી તે છેલ્લાં એક વર્ષથી ડ્રગ્સનો બંધાણી થઈ ગયો હતો. સામાન્ય રીત તે મહેસાણા-અમદાવાદથી ડ્રગ્સ લાવતો હતો. અને તેને તમાકુની પડીકીઓમાં ભેળવીને ખાતે હતો. જેનાથી તેનો નશો બેથી ત્રણ કલાક કે તે કરતાં વધુ સમય માટે રહેતો હતો. રૂપાભાઈ નાગોલ, પીએસઆઈ, વાસદ પોલીસ સ્ટેશન.
છ માસમાં આણંદ જિલ્લામાં ચોથો કેસ નોંધાયો
એમડી ડ્રગ્સ ઝડપાવવાનો ચોથો બનાવ નોંધાયો છે. ગત પહેલી જૂનના રોજ પ્રથમ વખત આણંદ જિલ્લામાંથી પેટલાદના ત્રણ શખસ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. એ પછી સોજિત્રા પાસે પીપળાવ મંદિરે દર્શન કરવા આવેલા રાજકોટના ત્રણ શખસ 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા. ત્યારબાદ આણંદ શહેરના શાસ્ત્રી બાગ પાસેથી આણંદના એક યુવકને 885 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.