ભારતમાં રસીકરણના મહત્વને સમજાવવા તેમજ રસીકરણની જરૂરિયાત અંગેની જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 16મી માર્ચના દિવસને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.પોલિયોને સમગ્ર દેશમાંતી નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 1995 માં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ દેશના પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયોનો વાયરસ કે જે લકવો અને મૃત્યુનું કારણ બની શકે તેની સામે રસીકરણ દ્વારા રક્ષણ આપવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરના લાખો બાળકોને રસીકરણ દ્વારા પોલિયોથી સુરક્ષીત કરવાનો લક્ષ્યાંક હતો. સરકાર અને આરોગ્ય કર્મીઓના સંયુક્ત પ્રયાસે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને દેશમાં પોલિયોના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જેને પરિણામે વર્ષ 2014માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યુ હતુ.
ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસનું આગવું મહત્વ છે કારણ કે તેના દ્વારા લોકોને રસીકરણ દ્વારા થતા બહુમૂલ્ય સ્વાસ્થ્ય રક્ષણથી જાગરૂક કરી શકાય છે તેમજ તેનાથી થતા ફાયદાઓ વિશે લોકોને શિક્ષિત કરી શકાય છે. ચેપી રોગોને રોકવા માટે રસીકરણ એ સૌથી અસરકારક રીત છે, કારણ કે તે રોગોના ભારને નિયંત્રીત કરવામાં તેમજ દેશની વસ્તીના સરેરાશ આરોગ્યને રક્ષણ આપવામાં અગત્યનો ભાગ ભજવે છે.રસી એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરીને એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે જે શરીરમાં રોગનું કારણ બની રહેલા વાયરસ કે બેક્ટેરિયાને ઓળખી શકે છે. એટલુ જ નહી પરંતુ રોગચાળા કે મહામારીનુ રૂપ બની શકતા વાઈરસ અને બેક્ટેરિયાના નવા સ્ટ્રેન, વેરિઅન્ટના ઉદભવને રોકવામાં પણ રસીકરણ એ અત્યંત સહાયરૂપ બની રહી છે.
આણંદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન ગત ફેબ્રુઆરી માસ સુધીમાં 0 થી 1 વર્ષની વયના કુલ 31,926 એટલે કે 95 ટકા કરતા વધુ બાળકોને ઝેરી કમળાની રસી, ઓરલ પોલિયોની રસી, બીસીજી, રોટા વાઈરસ, પેન્ટાવેલેન્ટ, એફઆઈપીવી, પીસીવી, ઓરી રૂબેલા, વિટામીન-એ જેવી વિવિધ પ્રકારની રસીઓ સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી છે.
આ માટે આણંદ જિલ્લાના આઠ તાલુકાઓમાં મળીને 2 ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, 14 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 8 અર્બન હેલ્થ સેન્ટર અને 277 સબસેન્ટર જે પૈકી 223 હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર કાર્યરત છે. જિલ્લામાં 100 ટકા રસીકરણ થાય તે માટે તમામ સરકારી સંસ્થાઓએ દર બુધવારે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પ્રત્યેક સોમવારના રોજ રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. રસીકરણમાં જે બાળકો બાકી રહી ગયા હોય તેવા બાળકોની આશા બહેનો દ્વારા એક યાદી બનાવવામાં આવે છે અને તે પછીના રસીકરણના સેશનમાં અગાઉ બાકી રહી ગયેલા બાળકોને આવરી લેવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ બાળક રસીથી વંચીત ન રહી જાય.
મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે રસીકરણ એક એવી પ્રક્રિયા છે જેનાથી કોઇપણ વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાનકારક ચેપી રોગજન્ય બેક્ટેરીયા સામે રસીકરણ દ્વારા વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતાને સશક્ત બનાવી રક્ષણ પૂરૂ પાડી શકાય છે. ચિંતાજનક અને અસામન્ય ચેપી રોગોને રોકવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે. રસીકરણને કારણે દુનીયાભરના ઘણા બધા દેશોમાં સ્મોલપોક્સના ફેલાવા તેમજ પોલિયો, ટેટ્નસ જેવા ચેપી રોગોને અને તેમાં પણ સૌથી વિશેષ કોરોના જેવી મહામારીને મહ્દઅંશે નિયંત્રીત કરી શકાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અત્યારે 25 જેટલા ચેપી રોગોને નિયંત્રણ કરવા અથવા તો તેમના નિયંત્રણમાં સહાયરૂપ બનવા માટેની રસીઓ વિશ્વમાં ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.