માતા અને બાળકનો જીવ બચાવ્યો:આણંદ પાસે એક્સપ્રેસ વે પર બસમાં સવાર સર્ગભાને પ્રસુતિની પીડા ઉપડતા 108ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ વે પરથી પસાર થઇ રહેલી અમદાવાદ–સુરત રૂટની બસમાં સવાર મુસાફરને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. આથી, તાત્કાલિક આણંદ 108 એમ્બ્યુલન્સની ટીમને બોલાવવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા સફળ પ્રસુતિ કરાવી માતા–પુત્રને આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

રસ્તામાં જ મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડ્યો હતો
આણંદના એક્સપ્રેસ વે પરથી 22મી નવેમ્બર,22ની રાત્રિ પસાર થઇ રહેલા અમદાવાદ–સુરત રૂટની બસમાં સગર્ભા મુસાફર સવાર હતાં. આ સમયે તેઓને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. આ અંગે 108ને જાણ કરતાં આણંદ ટાઉન હોલથી ટીમ એસટી બસ જે અમદાવાદથી સુરત જઇ રહેલી હતી ત્યારે પહોંચી હતી. રસ્તામાં જ મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતાં બસમાં જ એમ્બ્યુલન્સના સ્ટાફને ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.

બાળકના રૂદન સાથે બસમાં સવાર મુસાફરોમાં ખુશીનો માહોલ
આથી, એમ્બ્યુલન્સ સ્ટાફના ઇએમટી સુરેશ રાઠોડ અને પાયલોટ રિઝવાન શેખ દ્વારા ડોક્ટર અંજલીની સલાહ સૂચન પ્રમાણે સફળતા પૂર્વક ડિલીવરી કરાવી હતી. આ સમયે બાળકના રૂદન સાથે બસમાં સવાર મુસાફરોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. 108ની ટીમના પગલે માતા અને બાળકનો જીવ બચી ગયો હતો. જોકે, તેમને વધુ સારવાર માટે આણંદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે બસને આગળ મોકલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...