પેટલાદના ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતી પરિણીતાને લગ્નના 16 વર્ષમાં શંકાશીલ પતિએ વ્હેમ રાખી તેના ત્રાસ આપ્યો હતો. આ અંગે પરિણીતાએ પોલીસ મથકે પતિ સહિત ચાર સાસરિયા સામે ફરિયાદ આપી હતી.
કઠલાલના નફીસાબહેન વ્હોરાના લગ્ન 2006ની સાલમાં મુસ્તકીમ શબ્બીરહુસેન વ્હોરા (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, પેટલાદ) સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને એક દીકરી અને દીકરાનો જન્મ પણ થયો હતો. તેમના સાસુ સસરા પેટલાદના ગુલસનનગર ખાતે રહે છે. જોકે, વાર તહેવારે તેઓ ભેગા થતાં હતાં. આ સમયે સાસુ, સસરા, દિયર નાની નાની વાતમાં ત્રાસ આપતાં હતાં. આ અંગે નફીસાબહેને પિયરમાં પણ જાણ કરી હતી. દરમિયાનમાં 27મી નવેમ્બર,22ના રોજ રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મુસ્તકીમે શક વહેમ રાખીને નફીસાબહેનને માર માર્યો હતો. આથી, તેઓ પિયર કઠલાલ જતાં રહ્યાં હતાં. જોકે, ફોન કરીને પરત બોલાવી લીધાં હતાં. બે - ત્રણ દિવસ સારી રીતે રહ્યાં બાદ ફરી ઝઘડા શરૂ કરી દીધાં હતાં. ફરી પતિએ શક વહેમ રાખીને ત્રાસ આપવા લાગ્યાં હતાં. આથી, કંટાળી નફીસાબહેન પિયર જવાની તૈયારી કરતાં તેને મારમારવા લાગ્યો હતો અને ધમકી આપી હતી કે, આજ પછી જો ઘરની બહાર નિકળી છે, તો તને જાનથી મારી નાંખીશ. તેમ કહી ઘરની બહાર કાઢી મુકી હતી.
આ અંગે નફીસાબહેન વ્હોરાની ફરિયાદ આધારે પેટલાદ શહેર પોલીસે મુસ્તકીમ શબ્બીરહુસેન વ્હોરા, શબ્બીરહુસેન, રૂકશાનાબહેન શબ્બીરહુસેન વ્હોરા અને મુબીન શબ્બીરહુસેન વ્હોરા (રહે.પેટલાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.