હાઈવે રક્તરંજિત બન્યો:આણંદ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

આણંદ3 મહિનો પહેલા
  • અમદાવાદથી વડોદરા જઈ રહેલા યુવકોને અકસ્માત નડ્યો

આણંદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે પર સોમવાર સવારના પુરપાટ ઝડપે જતી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવકના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. જેમાં એક યુવકનો આજે જન્મદિવસ હતો. જેથી જન્મદિવસથી ઉજવણી કરી આ યુવકો અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા. આ ઘટનાના પગલે ખંભોળજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, તે પહેલા અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. જે પોલીસે ક્લીયર કરાવ્યો હતો.

યુવકો પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા
અમદાવાદમાં રહેતા અમન પ્રતાપસિંહ નરવાણ (ઉ.વ.17), માર્ક ક્રિશ્ચિયન (ઉ.વ.19), ધ્રુમિલ સમીરભાઈ બારોટ (ઉ.વ.20), મંથન દવે, અભિષેક લક્ષ્મણ પવાર સહિતના મિત્રો કાર નં.જીજે 18 બીએફ 8813 લઇને અમદાવાદથી વડોદરા જઇ રહ્યાં હતાં. તેઓ એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે પસાર થઇ રહ્યા હતા, ત્યારે વ્હેરાખાડી પાસે આગળ જતી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી.

બે યુવકનું ઘટનાસ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત
આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે, કારનો આગળો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને ગાડીનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં અમન પ્રતાપસિંહ નરવાણ, માર્ક મેકલીન ક્રિશ્ચિયનને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ધ્રુમિલ બારોટનું સારવાર દરમિયાન વડોદરા હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. જોકે, અકસ્માતમાં મંથન દવે અને અભિષેક લક્ષ્મણરાવ પવારને ઇજા પહોંચતા સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયાં હતાં અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. બીજી તરફ ખંભોળજ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતાં ક્લીયર કરાવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ ખંભોળજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જન્મ દિવસની ઉજવણી કરી વડોદરા જવા નિકળ્યાં હતા
આ અકસ્માતમાં કરૂણતાં એ છે કે, અમન નરવાણનો આજે જન્મ દિવસ હોવાથી તે ઘરે ઉજવણી કરી કેક કાપીને નિકળ્યો હતો. પરંતુ તેનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ત્રણેય યુવકના પરિવારજનો દોડી આવ્યાં હતાં અને શોક મગ્ન વાતાવરણ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...