અસામાજિક તત્વોનો ત્રાસ:વિદ્યાનગરમાં પોલીસને બોલાવવા બાબતને લઈ દુકાનદારને માર માર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસનો જાણે ડર જ ન હોય તેમ પથ્થરમારો કરી, તોડફોડ કરાઈ

વિદ્યાનગરમાં જાણે પોલીસનો ડર જ ન હોય તેમ છેલ્લાં કેટલાંય સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. પોલીસ મૂકપ્રેક્ષક બની જાણે તમાશો જ જોઈ રહી હોય તેવા દૃશ્યો હાલ સર્જાયા છે. પોલીસ પેટ્રોલિંગના અભાવને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી છે. મંગળવારે રાત્રિના સમયે પોલીસને બોલાવવા બાબતે કેટલાંક અસામાજિક તત્વોએ દુકાનદારને માર માર્યો હતો. જેને પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

વિદ્યાનગરમાં અરવિંદભાઈ રામજીભાઈ સોનગરા સીતારામ કોમ્પલેક્ષમાં પ્રોવિઝન સ્ટોરની દુકાન ધરાવે છે. મંગળવારે રાત્રિના નવેક વાગ્યે ધોબીઘાટ ખાતે રહેતા અનિલ વાઘેલા, નવીન વાઘેલા, જય ભરવાડ, હિતેશ મુનિયા સહિત દશથી બાર જેટલા શખ્સોનું ટોળું તેની દુકાન આગળ આવીને ઉભું હતું. જેથી તેમણે અહીંથી જતા રહો નહીં તો પોલીસને બોલાવું છું તેમ કહેતા જ અનિલ વાઘેલા નામનો યુવક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેમ અપશબ્દ બોલીને તેમની સાથે માથાકુટ કરી હતી.

તેનું ઉપરાણું લઈને જય ભરવાડ સહિત અન્ય યુવકો પણ ત્યાં મારક હથિયાર સાથે ધસી આવ્યા હતા અને દુકાનદારને બેરહેમીપૂર્વક માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ બનાવને પગલે એકઠાં થયેલાં અન્ય અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને દુકાન તેમજ આસપાસ પડેલા ટુ વ્હીલરોની તોડફોડ કરી શહેરની શાંતિ ડહોળી નાંખી હતી.

આ બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ઈજાગ્રસ્ત અરવિંદ સોનગરાને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેમની હાલત સ્થિર છે. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર તમામ શખસોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...