આણંદમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા થાય અને બાગાયતી પાકનું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે માટે સેમિનાર યોજાયો હતો. જિલ્લા નાયબ બાગાયત નિયામક તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે પોચાભાઈ ફાઉન્ડેશન, સહકારી મંડળી દ્વારા તારાપુરના મહિયારી ખાતે “પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતી ખેતીની માહિતી અપાઈ
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક ડૉ.સ્મિતાબેન પિલ્લાઈએ આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયત ખાતાની જુદી જુદી યોજનાઓના લાભ વિશે માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ વિશે જાણકારી પૂરી પાડી હતી. આ ઉપરાંત ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે અને પ્રાકૃતિક ખેતી માટે ખાતર બનાવવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું હતું.
ખાતરનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું
આ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધિકારી દ્વારા મહિલાઓને PM FME (પ્રધાનમંત્રી ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ) યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. નાના-લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેશનના અધિકારીએ તૈયારી પણ દર્શાવી હતી. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ આણંદ દ્વારા તથા ગાય આધારિત ખેતી કરતા જિલ્લા કન્વીનર અમિત પટેલ દ્વારા ખાતરનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જ્યારે અમૂલ ડેરીના કર્મચારી દ્વારા નવીન ખાતરનું તથા જુદા જુદા લિક્વિડ ફર્ટિલાઇઝરનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
અનુસૂચિત જાતિની મહિલાઓને યોજના વિશે અવગત કરાયા
આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિની 1500થી વધુ મહિલાઓની ઉન્નતિ થાય તે માટે સરકારની જુદી જુદી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમના અંતે મદદનીશ બાગાયત નિયામક નિલેશ પટેલ દ્વારા આભાર વિધી પ્રગટ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરેમેન, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.