તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢોર પકડવાની કામગીરી વિવાદમાં:પશુ રખેવાળની ઢોર ડબ્બા અધિકારી સાથે ઝપાઝપી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પ્રોટેક્શન વિના કામગીરી કરતી ટીમ પર તો‌ળાતો હુમલાનો ભય

આણંદ શહેરના 80 ફૂટ રોડ સ્થિત ગણેશ મંદિર પાસે શુક્રવારે બપોરે એક અસામાજિક તત્વએ અહીં ઢોર પકડવા આવવું નહીં તેમ કહી ઢોર ડબ્બા અધિકારી મિલન ત્રિવેદી સાથે ઝપાઝપી કરી હતી. લોકોના ટોળાં ભેગા થઈ જતાં શખ્સ ફરાર થઈ ગયો હતો. આમ, પોલીસ પ્રોટેક્શન વિના ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ પર હુમલાનો ભય તોળાઈ રહ્યો છે ત્યારે તેને લઈને વિવાદના વમળ સર્જાયા છે.

આણંદ શહેરના શિખોડ તલાવડી પાસે એક અઠવાડિયા અગાઉ પશુએ એક વૃદ્ધને ગોથે ચઢાવ્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ સફાળી જાગેલી પાલિકાએ સમગ્ર શહેરમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી. શરૂમાં ઢોર પકડવાની કામગીરી સફળ રહી હતી. બાદમાં પશુ રખેવાળો દ્વારા ઢોર પકડનારી ટીમની આગળ જઈને ઢોરને ભગાડી કામગીરીમાં અવરોધ ઊભો કરાતો હતો. દરમિયાન, પ્રતિદિન આ કામગીરી કરતી ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કામગીરી કરાતી હતી. ત્યારે શુક્રવારે બપોરે 80 ફૂટના રોડ પર કેટલીક ગાયોએ અડિંગો જમાવી રોડ પર બેઠી હોય ટીમ ગાયને પકડવા માટે ગઈ હતી.

જ્યાં કમલેશ નામના એક શખ્સે ટીમના અધિકારી મિલન ત્રિવેદીને અહીં ઢોર પકડવા આવવું નહીં તેમ કહી તેમના શર્ટની ફેંટ પકડી હતી. બંને વચ્ચે બોલાચાલી-ઝપાઝપી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થતાં શખ્સ ફરાર થઈ ગયો હતો. આ બનાવની આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.

પાંચ દિવસથી પોલીસ પ્રોટેક્શન આપ્યું નથી
આણંદ ટાઉન પોલીસ મથકે લેખિતમાં પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરવામાં આવી હતી. આમ છતાં સતત પાંચ દિવસથી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી. જેને પગલે જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરાશે. તેમજ મિલનભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલા રિપોર્ટ મને મળવાથી પશુપાલક સામે કાર્યવાહી હાથ ધરાશે. > ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, આણંદ નગર પાલિકા

20થી 25 પશુપાલકો આવી ચઢ્યા હતા, જે પૈકી એકે હુમલો કર્યો
​​​​​​​સેનેટરી વિભાગના ચેરમેન હિતેષભાઈ પટેલે ફોન કરીને મને 80 ફૂટના રોડ ઉપર ગાયો રોડ પકડી લેવા સૂચના આપી હતી. જેના પગલે અમે સ્થળ ઉપર પહોંચતાની સાથે 20 થી 25 જેટલાં પશુ પાલકો આવી ગયા હતા. અેક જણે રીતસરનો ઝઘડો કરી ગાયો છોડી દેવા ધમપછાડા કરતાં આખરે બબાલ થઈ હતી. જેમાં મારા કપડાં ફાટી ગયા હતાં. આ બાબતની જાણ ચીફ ઓફિસરને કરાઈ છે. > મિલનભાઈ ત્રિવેદી, ઢોર-ડબ્બા અધિકારી, આણંદ નગર પાલિકા

​​​​​​​સરકારી ધારા-ધોરણ પ્રમાણે પ્રોટેક્શન આપીએ જ છીએ
રથયાત્રાને કારણે અમે લોકો પાલિકાને પૂરતો બંદોબસ્ત નથી આપી શક્યા. બાકી જ્યારે પણ પાલિકા દ્વારા ઓન પેપર પ્રોટેક્શન માગવામાં આવે છે ત્યારે સરકારના ધારા-ધોરણ પ્રમાણે પોલીસ પ્રોટેક્શન આપીએ જ છીએ. આજ દિન સુધી એવું બન્યું નથી કે અમે પ્રોટેક્શન આપ્યું ન હોય. > યશવંતસિહ ચૌહાણ, પીઆઈ, આણંદ શહેર પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...