અકસ્માત:બોરસદમાં સ્કૂલ બસે કારને અડફેટે લીધી,25 છાત્રનો બચાવ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતી શિશુકુંજ વાઘવાલા સ્કૂલના માલિકે વીમા કંપનીવાળા જોડે લડી લેજો તેમ કહી કાર માલિક સાથે અણછાજતું વર્તન કર્યું

બોરસદની આણંદ ચોકડી પર શુક્રવારે સાંજે સ્કૂલેથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને ઘરે મૂકવા જઈ રહેલી બસના ચાલકે પુરપાટ ઝડપે તેની બસ હંકારી આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી. સમગ્ર કેસમાં સ્કૂલના ડ્રાઈવરને ઠપકો આપવાના બદલે સ્કૂલ માલિકે કાર ચાલક સાથે દાદાગીરી કરી વીમા કંપનીવાળા જોડે લડી લેજો તેમ કહી અણછાજતું વર્તન કર્યું હતું. નોંધનીય છે કે, સમગ્ર બનાવમાં 25 બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો.સમગ્ર ઘટના એવી છે કે, આણંદના રહેવાસી જાગ્રૃતભાઈ વસાણી કામ અર્થે બોરસદ ગયા હતા. દરમિયાન, બપોરે તેઓ પરત આણંદ આવી રહ્યા હતા.

તેઓ બોરસદની આણંદ ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી સરસ્વતી શિશુકુંજ વાઘવાલા સ્કૂલની બસે તેમને પાછળથી ટક્કર મારી હતી. જેને કારણે જાગ્રૃતભાઈની કારને નુકસાન પહોંચ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યાં હતા. બીજી તરફ બસમાં બેઠેલા નાના ભૂલકાંઓ પણ ભયભીત થઈ ગયા હતા. જો કે સદનસીબે બાળકોને કોઇ હાનિ થઇ ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બસનો ચાલકને દૃષ્ટિની પણ ખામી છે. જેને લઈને વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. સમગ્ર મામલે સ્કૂલ માલિક સંજયભાઈ ભીખાભાઈ પટેલને જાણ કરવામાં આવી ત્યારે તેમણે કારના ચાલકને વીમા કંપની સાથે લડી લેજો તેમ કહી દાદાગીરી કરી હતી. જોકે, બનાવની ફરિયાદ મોડી સાંજ સુધી નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...