આંતરરાષ્ટ્રિય શિક્ષક દિન:ચીખોદરામાં ગરીબ, દિવ્યાંગ બાળકો માટેની હરતી ફરતી પાઠશાળા

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 વર્ષથી બાળકોને ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, અંગ્રેજીનું જ્ઞાન આપતા શિક્ષક નિતીન પ્રજાપતિ

શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ ઉક્તિને સાર્થક કરતા આણંદ તાલુકાના ચીખોદરા ગામના શિક્ષક નિતીનકુમાર પ્રજાપતિએ ગરીબ-ઝુંપડપટ્ટીના બાળકોને અક્ષરજ્ઞાાન પીરસવાની સાથે દિવ્યાંગ બાળકોને પણ શિક્ષિત કરવા સાથે દેવોની લીપી ગણાતી સંસ્કૃત ભાષા અંગે બાળકોને ભાથુ પીરસવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લા 20 વર્ષથી નિઃશુલ્ક પણે કોઈપણ સ્વાર્થ વિના કોઈ દાન કે ભેટ સ્વીકાર કરતા નથી. જો કોઈ દાતા મળે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટો પણ સીધી બાળકોના હાથમાં અપાવી દે છે.

ગાંધીનગરના વાગોસણાના વતની અને હાલ આણંદ તાલુકાના ચીખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ શિક્ષણના વ્યવસાયને ચરિતાર્થ કરી રહ્યા છે. અંગ્રેજી વિષય સાથે બી.એ. થયેલા નિતીનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો કોર્ષ કર્યો છે અને હાલ આણંદ ખાતે અંગ્રેજીનું ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. જો કે છેલ્લા 20 વર્ષથી તેઓ પોતાની અનુકુળતા મુજબ ગરીબ તથા ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ બાળકોને અંગ્રેજી વિષયનું નિઃશુલ્ક જ્ઞાાન પીરસી રહ્યા છે. પિતા આત્મારામ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક હતા અને નિવૃત્તિના સમયે પિતાએ આપેલી શીખ મુજબ નિતીનકુમારે ગરીબ બાળકોને શિક્ષીત કરવાનું બીડું ઉપાડયું છે.

અંગ્રેજીની સાથે સાથે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ શીખવાડવાના પોતાના વ્યવસાયિક કાર્યોની સાથે સાથે તેઓ માનવ અને સમાજ સેવાને પણ વરેલા છે. પછાત ગ્રામ્ય વિસ્તાર અને ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આવા બાળકો માટે તેઓ વિવિધ વિસ્તારોમાં આધુનિક શાળાઓની ભૌતિક સુવિધાઓ વિના પ્રાકૃતિક વાતાવરણમાં ઓપન સ્કુલ ચલાવે છે. મહિનાના દર રવિવારે એક-એક કલાક માટે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારમાં તેઓ બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞામાં જોડે છે.

શિક્ષકે પ્રજ્ઞાચક્ષુ છાત્રો માટે ફ્લેશ કાર્ડ પણ બનાવ્યા
શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ભાર વિનાનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાનની અનોખી સર્જનાત્મકતા ધરાવતા નિતીનભાઈએ શિક્ષણ પધ્ધતિમાં નવતર પ્રયોગો હાથ ધર્યા છે. બાળકો સહજ રીતે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાનું અક્ષરજ્ઞાાન મેળવી શકે તે માટે 351 પેજમાં હાથથી 1008 આકૃતિઓ તૈયાર કરી છે.

સાથે સાથે પ્રજ્ઞાાચક્ષુ બાળકો વિવિધ ભાષાઓ શીખી શકે તે માટે બ્રેઈલ લીપીની મદદથી ફલેશ કાર્ડસ અને ડ્રોઈંગ બનાવ્યા છે અને તેના માધ્યમથી મંદબુધ્ધિના બાળકોને સરળતાથી અક્ષરજ્ઞાાન મળી રહે છે. આવનાર સમયમાં કુલ 11 ભાષાઓ શીખી શકાય તેની ઉપર કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...