ભાસ્કર વિશેષ:ઘોરાનો નિવૃત જવાન આર્મીમાં જોડાવા માંગતા યુવકોને ટ્રેનિંગ આપશે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરીમાંથી નિવૃતિ, દેશની સેવામાંથી નહીં, 17 વર્ષની ફરજ બાદ માદરે વતન આવતા ભવ્ય સ્વાગત

ઉમરેઠ તાલુકાના ઘોરા ગામના વિક્રમસિંહ ઉમેદસિંહ મહિડા આર્મીમાં 17 વર્ષની ફરજ બાદ નિવૃત થતાં ગામમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. જવાને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર નોકરીમાંથી નિવૃત થાઉ છું પણ દેશ સેવામાંથી નહીં. મારા ગામ આસપાસના યુવકો જેમણે સૈન્યમાં ભરતી થવું છે તેમને હું માર્ગદર્શન આપીશ અને જરૂર પડે ટ્રેનિંગ પણ આપવાની મારી તૈયારી છે.

તેમણે તેમની કારકીર્દી સિકંદ્રાબાદમાં 1 વર્ષ ટ્રેનિંગથી શરૂ કરી હતી. ત્યારબાદ દહેરાદૂનમાં, જમ્મૂ કાશમીરમાં, સિકંદદ્રાબાદ, ચીન બોર્ડર પર, દિલ્હી અને છેલ્લે લખનઉમાં ફરજ પૂર્ણ કર્યા બાદ તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ પોતાના વતન ઘોરા આવતા તેમનું સમસ્ત ગામ દ્વારા બાઇક રેલી તથા હાર પેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમાં ગામના દરેક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહત્વની વાત એ છે કે જ્યારે ચીન બોર્ડર પર તેઓ હતા ત્યારે દેશમાં ડોકલામ વિવાદ ચાલતો હતો. જેમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને સિક્કિનું કલ્ચર અને ત્યાંના લોકો આર્મી જવાનને બહુ માન સન્માન આપે છે અને ત્યાનું વાતાવરણ ચોખ્ખાઈના કારણે ત્યાં રહેવું ગમે છે. તેમણે પોતાનો યાદગાર પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું કે, સિક્કિમ ભારતના પૂર્વમાં આવેલું રાજ્ય છે જેની સરહદો ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાયેલી છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. જ્યારે મારી પોસ્ટ ત્યાં કરવામાં આવી ત્યારે અમે આખી રાત ગાડી ચલાવી સિક્કિમ પહોચ્યાં હતા કારણ કે 130 કિમી લાંબો રસ્તો પહાડી વિસ્તાર હોવાથી બપોર 12.30 બાદ આર્મી ગાડીને આગળ જવાની પરમીશન આપતા નથી.

રઢુના ભારતીય ફૌજમાંથી નિવૃત થયેલ સૈનિકનું સ્વાગત
ખેડા ભાસ્કર | ખેડા તાલુકાના રઢુ ગામના વતની પીન્ટુભાઈ ગોરધનભાઇ કોળીએ સતત 17 વર્ષ સુધી ભારતીય ફોજમાં સેવા આપી નિવૃત્ત થયા હતા. જેમનો મથુરાથી મંગળવારે ખેડા ખાતે આવી પહોંચતા ખેડા ચોકડી ઉપર તેમનું ગામ લોકો દ્વારા સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ગામ લોકો દ્વારા માદરે વતન રઢુ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આર્મીમેન પિન્ટુભાઈએ વતન આવીને સંતરામ મંદિર અને કામનાથ મહાદેવના દર્શન કરી ગામના વડીલો અને માતા-પિતાના આશિર્વાદ મેળવ્યા હતા. જમ્મુ કાશ્મીર સહિત દેશના અલગ અલગ સરહદો ઉપર ફરજ બજાવી વતનમાં પરત ફરતા રઢુ ગ્રુપ કેળવણી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા, અમુલ ડેરીના ડિરેક્ટર સંજયભાઈ પટેલ, એક્સ આર્મીમેન રામસિંહ મહિડા તેમજ ગામના સરપંચ દ્વારા સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...