આણંદ શહેરના ટ્રાફિકથી ધમધમતા વિદ્યાનગર રોડ પર આવેલા ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં શુક્રવારની મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં આગ ભડકી હતી. ફુલમાર્ટના ગોડાઉનમાં લાગેલી આગે જોત જોતાનામાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે પ્રેક્ષકો પણ ફસાયાં હતાં. જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. જોકે, મહત્વની બાબત એ છે કે, રાત્રે આગ બુઝાવ્યા બાદ બીજા દિવસે સવારે લાશ મળી હતી.જે ફુલમાર્ટના સંચાલકના કાકાની હોવાનું ખુલ્યું હતું.હાલ આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલા ગોલ્ડ સિમેનાના ભોંય તળિયે શુક્રવારની રાત્રે આગ ભડકી હતી. આ આગના પગલે અફડા તફડી મચી ગઈ હતી. એટલે સુધી કે ગોલ્ડ સિનેમામાં આવેલા પ્રેક્ષકોને તાત્કાલિક બહાર કાઢવા પડ્યાં હતાં.જ્યારે બનાવની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.જોકે,મોડી રાત હોવાથી તે સમયે કોઇ જાનહાની ન થઇ હોવાનો અંદાજ હતો. પરંતુ શનિવાર સવારે ચિત્ર બદલાઇ ગયું હતું. સવારે સામાન ખસેડતા સમયે આગમાં ભડથું થઇ ગયેલી લાશ જોવા મળી હતી.જેથી સૌ ચોંકી ગયાં હતાં. આ અંગે પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચ્યાં હતાં.આસપાસમાં તપાસ કરતાં મૃતક ફુલમાર્ટના સંચાલકના કાકા જ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર,મુળ વેસ્ટ બંગાળમાં રહેતા શીબ પ્રસાદ સચીનાનંદ મેટી નજીકમાંજ ફુલ માર્ટની દુકાન ધરાવે છે.તેઓએ બિલ્ડર પાસેથી બેઝમેન્ટ ભાડે રાખ્યું હતું.જેમાં તેમનો સામાન પડી રહ્યો હતો. આ સામાનમાં આગ લાગી હતી.જોકે,તેમાં સુરોજીત રવિન્દ્રનાથ મેટી (ઉ.વ.40)નું મોત નિપજ્યું હતું.બેઝમેન્ટમાં રાખેલા તેમના ફ્લાવર માર્ટની દુકાનના સામાન રાખવાની જગ્યાએ કોઇ પણ કારણસર આગ લાગતા તેઓ દાઝી જતાં મૃત્યું પામ્યાં છે.હાલ આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.પુવારે સંભાળી છે.
કોની બેદરકારી તે પ્રશ્ન ઉઠ્યો?
આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં લાગેલી આગમાં એકના મોતને લઇ ભારે ચર્ચા જાગી છે.આ સમગ્ર કિસ્સામાં ક્યાંકને ક્યાંક બિલ્ડર પણ શંકાના દાયરામાં આવી ગયો છે.અહીં ફાયર સેફ્ટીથી લઇ બેઝમેન્ટની સુરક્ષાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયાં છે.આ આગ વધુ વકરી હોત તો પ્રેક્ષકોને પણ બહાર કાઢવા મુશ્કેલ બની જાત કારણ કે અહીં ફાયર એક્ઝીટની કોઇ જ વ્યવસ્થા જોવા મળી નથી.માત્ર એક દાદર થકી જ અવર જવર થાય છે. આમ,સમગ્ર બિલ્ડીંગમાં ભારોભાર ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખુલી પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.