આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલા સુજન વન કોમ્પ્લેક્સમાં આવેલ વજ્રપાન હાઉસ અને લક્ષ્મી પાન હાઉસમાં આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે છાપો મારી પ્રતિબંધિત વિદેશી સિગારેટ તથા ઇ- સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો
આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમારે આણંદ જિલ્લામાં ઈ- સિગરેટનું વેચાણ કરતાં ઈસમોને ઝડપી પાડવા માટે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે સુચના આપી હતી. આ સુચનાને આધારે એસ.ઓ.જી.પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, વિદ્યાનગર ઇસ્કોન મંદિર પાસે આવેલ સુજન વન કોમ્પલેક્ષમાં વજ્ર પાન હાઉસમાં અને લક્ષ્મી પાન હાઉસમાં ગેરકાયદેસર ઈ- સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. આ મળેલ ચોક્કસ માહિતીને આધારે એસ. ઓ. જી.પોલીસની ટીમે છાપો મારી તપાસ કરતા વજ્ર પાન હાઉસમાંથી પ્રતિબંધિત વિદેશી સિગારેટોના 81 પેકેટ તેમજ બે ઇ -સિગરેટના પેકેટ મળી આવ્યાં હતાં. જેથી, પોલીસે દુકાન માલિક દિપકભાઈ અશોકભાઈ ભોજવાણી રહે, આણંદની ધરપકડ કરી હતી.
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ
લક્ષ્મી પાન હાઉસમાંથી પોલીસે છાપો મારી તપાસ કરતાં પ્રતિબંધિત વિદેશી સિગરેટોના 121 પેકેટ અને એક ઈ- સિગરેટ મળી આવી હતી. જેથી પોલીસે દુકાનના માલિક વિજયકુમાર અશોકકુમાર નાથાણી રહે, કરમસદ સ્થાપત્ય બંગલો વિદ્યાનગર કરમસદ રોડ ની ધરપકડ કરી કુલ રૂપિયા 43,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસની ટીમે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.