આખલાને અટકચાળા કરવા ભારે પડ્યા:આણંદના આંકલાવમાં આખલાની તાકાતનાં પારખાં કરવા ગયેલા વ્યક્તિને રસ્તા પર રગદોળી નાખ્યો, જુઓ VIDEO

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના આંકલાવમાં જાહેર રસ્તા પર રખડી રહેલા આખલાને અટકચાળો કરવો એક વ્યક્તિને રીતસરનો ભારે પડી ગયો હતો. આખલાની આગળ રસ્તા પર જ સૂઈ ગયેલા વ્યક્તિને આખલાએ રગદોળી નાખ્યો હતો. સદનસીબે આખલાની મજાક કરવા ગયેલા વ્યક્તિનો બચાવ થયો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

લોકો આખલાથી દૂર ભાગે, આ ભાઈ તો સામે ગયા!
ગુજરાતના મોટાભાગનાં શહેરમાં લોકો રખડતાં ઢોરના ત્રાસનો સામનો કરી રહ્યા છે અને અવારનવાર ભોગ પણ બની રહ્યા છે. રસ્તા પર રખડતાં ઢોરને જોતા જ રાહદારીઓ અને વાહનચાલકો અંતર બનાવી લેતા હોય છે. પરંતુ, આણંદના આંકલાવમાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં એક વ્યક્તિ સામે ચાલીને આખલા પાસે ગયો હતો અને આખલાના માથા સાથે પોતાનું માથું અથડાવવાનો પ્રયાસ કર્યો હતો.

થોડીવાર તો આખલો શાંત રહ્યો, પણ પછી...
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તે આણંદના આંકલાવ શહેરનો છે. અડધી મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તે ઊભેલા આખલા સાથે સૌ પ્રથમ પોતાનું માથું ટકરાવવાનો પ્રયાસ કરે છે. આ સમયે તો આખલો શાંત ઊભો રહે છે. ત્યારબાદ વ્યક્તિ રસ્તા પર સૂઈ જાય છે અને જાણે આખલાને હુમલો કરવા આમંત્રણ આપે છે. આ વખતે આખલો પણ અટક્તો નથી અને રસ્તા પર સૂઈ ગયેલા વ્યક્તિને રગદોળી નાખે છે. અંતે વ્યક્તિએ મુઠ્ઠીઓ વાળી ઘટનાસ્થળેથી ભાગવું પડે છે.

ધાનેરામાં આખલાએ પાણીપૂરીની રેંકડી ઊંધી વાળી દીધી
ધાનેરામાં આખલાએ પાણીપૂરીની રેંકડી ઊંધી વાળી દીધી

આખલાના કારણે પાણીપૂરીની રસ્તા પર રેલમછેલ
બનાસકાંઠાના ધાનેરામાં જાહેર રસ્તા પર બે આખલાઓ બાખડતા નજીકમાં ઊભેલી પાણીપૂરીની લારીને અડફેટે લીધી હતી. આખલાએ લારીને ઊંધી વાળી દેતા રસ્તા પર પાણીપૂરીની રેલમછેલ થઈ હતી. તો બીજી તરફ લારીનો ચાલક દૂર ભાગી જતા જીવ બચ્યો હતો.

ભાવનગરના CCTV
ભાવનગરના CCTV

ભાવનગરમાં રાહદારીને ગાયે અડફેટે લીધા
ભાવનગર શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા રખડતાં ઢોર અને ખૂંટિયાના ત્રાસથી નગરજનો તોબા પોકારી ગયા છે. ત્યારે શહેરના બોરતળાવ વિસ્તારમાં ગઈકાલે સાંજે પોતાના ઘરે જઈ રહેલા વૃદ્ધને ગાયે અડફેટે લીધા હતા. રખડતાં ઢોરના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...