વ્યાજખોરનો ત્રાસ:આણંદમાં પરફ્યૂમ અને કોસ્મેટિકના વેપારીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં આવેલ માનયાની ખાડ જોગીદાસની ખડકીમા રહેતા કેતનકુમાર વિનયચંદ્ર શાહ છેલ્લાં વીસેક વર્ષથી પરફ્યુમ અને કોસ્મેટિકનો વેપાર કરે છે. છેલ્લાં કેટલાક સમયથી આણંદના સરદારગંજમાં દુકાન ભાડે રાખીને ધંધો કરે છે.છ વર્ષ પહેલા ધંધાના કામ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતા સારસા ખાતે રહેતા અને વ્યાજે પૈસા ધીરધાર કરતા લાલીભાઈ પટેલ પાસેથી 4 ટકાના વ્યાજે રૂપિયા 5.50 લાખ ઉછીના લીધા હતા. જે પેટે 4.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બાકીના પડતા એક લાખની ઉઘરાણી માટે whatsapp ઉપર મેસેજ કરતા હતા.

ત્યારબાદ બે વર્ષ પહેલાં પોતાના મિત્ર પ્રભુભાઈ પ્રજાપતિ મારફતે મુળ વડોદરાના પરંતુ હાલમાં આણંદ ખાતે રહેતા લાલાભાઇ પ્રજાપતિ પાસેથી 15 ટકા વ્યાજે રૂપિયા ચાર લાખની ઉછીના લીધા હતા. જેના વ્યાજની નિયમિત ચુકવણી કરવામાં આવતી હતી. ઉછીના આપેલા વ્યક્તિઓ દ્વારા પોતાની મૂડી અને વ્યાજની ઉઘરાણી કરતા હતા. ત્યારબાદ દુકાનના માલિક ઉપેન્દ્રભાઈ પટેલ પાસેથી અઢી ટકાના વ્યાજે રૂપિયા 13.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું પણ દર મહિને નિયમિત રીતે જે વ્યાજ થતું હતું તે ચૂકવવામાં આવતું હતું. તેમ છતાં પણ તેઓ દ્વારા પણ પોતાની મૂડી અને વ્યાજની રકમની વારે ઘડીએ ઉઘરાણી કરવામાં આવતી હતી.

મહત્વનું છે કે લાલીભાઇ પટેલ,લાલાભાઈ પ્રજાપતિ, પ્રભુભાઈ આનંદભાઈ પ્રજાપતિ, ઉપેન્દ્રભાઈ પટેલ તથા હરીશભાઈ ઉર્ફે પેઈન્ટર ગુફાવર વ્યાજની વારંવાર ઉઘરાણી કરતા અને ફરિયાદી કેતનકુમારને ફોન કરીને ધમકી આપતા કેતનકુમાર ડરી ગયા હતા અને મનમાં લાગી આવતા ગત તારીખ 20 ઓક્ટોબર 2022 ના સાંજના સમયે મચ્છર મારવાની મેક્સો લિક્વિડની બે બોટલો, ઉંદર મારવાની દવા તેમજ બ્લેડથી પોતાના બંને હાથે ઘા કરીને આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. ગંભીર ઈજા પામેલા કેતનકુમાર ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

કેતનકુમાર શાહની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે લાલીભાઈ પટેલ, લાલાભાઇ પ્રજાપતિ, પ્રભુભાઈ પ્રજાપતિ, ઉપેન્દ્રભાઈ પટેલ તથા હરીશભાઈ પેઈન્ટર વિરુદ્ધ ઈ.પી.કો કલમ 507,114ધી મની લોન્ડરીઞ એકટ 2011 ની કલમ 33,40 તથા 42 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...