• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A New Road Will Be Constructed From Anand's Rawdapura To Karamsad On The Dead Canal At A Cost Of 32 Crores, Khatmuhurat By The MP

વિકાસ કામ:આણંદના રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ ઉપર 28 કરોડના ખર્ચે નવો માર્ગ બનશે, સાંસદના હસ્તે ખાતમુહૂર્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઈવેથી સૌરાષ્ટ્ર તરફ ભારે વાહનો ડાયવર્ટ થતાં શહેરનો ટ્રાફિક હળવો થશે

આણંદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઇ નવા રાજમાર્ગો બનાવવા તરફ વધુ એક સુવિધા ઉભી કરાઈ છે.સરકારના વિવિધ ખાતાકીય અડચણોમાં ફસડાઈ પડેલ રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ પર 10 કિલોમીટરનો રસ્તો આખરે ટેન્ડરીંગ પ્રક્રિયા સુધી પહોંચ્યો અને તેનું આજે ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવેથી લઇ કરમસદ સુધી નવો માર્ગ બનાવવા 28 કરોડનો ખર્ચ કરાશે.

આણંદના વિકાસમા કરમસદથી રાવડાપુરાનો 10.5 કિલોમીટર લાંબો રસ્તો બનાવવા 28 કરોડનો ખર્ચ થશે.સેન્ટ્રલ રોડ ફંડ (સીઆરએફ) દ્વારા રાવડાપુરા નેશનલ હાઈવે 8થી કરમસદ કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ સુધી રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. હાલ સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા ખાતમહુર્ત કરાયેલ માર્ગ નેશનલ હાઈવે પરથી એક કિલોમીટર દુર આણંદ બાજુ રાવડાપુરા, લાંભવેલ, કરમસદ સુધી 10 મીટર પહોળો અને 10.5 કિલોમીટર લાંબો રસ્તો બનશે. જોકે, શરૂઆતનો ભાગ 600 મીટર સુધી સાત મીટર પહોળો રહેશે. પરંતુ આગળ જતાં રેલવે ફાટકના કારણે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાવડાપુરાથી કરમસદ સુધી બનનારા નવા રસ્તા પર સિંચાઇ વિભાગની ડેડ કેનાલ, જિલ્લા પંચાયત અને અવકૂડાની જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં અવકૂડાની ડીપીને લઇ કેટલાક પ્રશ્નો ઉઠ્યાં હતાં. પરંતુ તેનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમીન સંપાદનને લઇને પણ પ્રશ્ન હતાં. જેનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું છે.આ અંગે સાંસદ મિતેષભાઈ પટેલે વિવિધ વિભાગોના સંપર્કમાં રહી કામની મંજુરી વહેલી મળે અને તે કામ સમયસર પૂરું થાય તે માટે સતત સંકલન કર્યું હતું.

પાંચ વર્ષ સુધી મામલો લટકેલો હતો
રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ પર નવો રસ્તો 2017માં મંજુર થયો હતો. જેમાં સ્ટ્રીટ લાઇટ, ડિવાઇડર સહિત સુવિધા ઉભી કરવાની હતી. પરંતુ પાંચ વર્ષમાં વિવિધ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે પ્રોજેક્ટ અધ્ધરતાલ હતો.જોકે હાલ સાંસદે કલેક્ટર ,માર્ગ મકાન વિભાગ, અવકૂડા, સિંચાઇ, જિલ્લા પંચાયત સહિતના વિભાગો સાથે સંકલન કરી નવા રસ્તાની દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ મોકલી હતી. જે માટે 28 કરોડની રકમ મંજુર થતા ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ હાલ ખાતમહુર્ત કરવામાં આવ્યું છે.આ માર્ગને લઈ આણંદ ગણેશ ચોકડી અને બોરસદ ચોકડીએ થતી ટ્રાફિક જામની સમસ્યામાં મોટી રાહત થશે તેમ જણાઈ રહ્યું છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા મહામંત્રી નીરવભાઈ અમીન,શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ,જિલ્લા કોષાધ્યક્ષ યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ,કરમસદ નગરપાલિકા પ્રમુખ નિલેશભાઈ પટેલ,જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવી સહિત આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

28 કરોડના ખર્ચે રસ્તો બનશે

10 મીટર પહોળો હશે

03 કિલોમીટર કરમસદ બાજુ અવકૂડાના ડીપી રોડને મળશે

10.5 કિલોમીટર લાંબો રસ્તો હશે

18 મહિનામાં કામ પૂર્ણ થશે

અન્ય સમાચારો પણ છે...