બોરસદ તાલુકામાં 181 અભયમ દ્વારા 16 વર્ષની બાળાના બાળલગ્ન થતા અટકાવામાં આવ્યા છે. દોઢ વર્ષ પહેલા સગી જનેતા દ્વારા સગીરાને અજાણ્યા પરિવારમાં સોપીને લગ્ન કરવા દબાણ કર્યું હતું. તે જ જનેતાએ 181 અભયમને જાણ કરી લગ્ન અટકાવ્યા હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે. અભયમ ટીમ દ્વારા પરિવારજનોનું કાઉન્સિલિંગ કરી સગીરાને બાલ સુરક્ષા એકમને સોંપવામાં આવી છે.
બોરસદ તાલુકામાં એક સગી જનેતા જ તેની સગીર દીકરીનું જીવન તહસ નહસ કરી મૂક્યું છે. જોકે સગીરાના નાની જ આ સગીરાની ઢાલ થઈ ઉભા રહેતા સગીરાની જિંદગી બચી છે.બોરસદ તાલુકામાં રહેતા એક પરિવારમાં 8 વર્ષ અગાઉ પતિના મૃત્યુ બાદ વિધવા માતાએ ત્રણ સંતાનોને પિયરમાં મૂકી અન્ય સ્થળે સ્વતંત્ર જિંદગી શરૂ કરી હતી. આ દરમિયાન દોઢ વર્ષ અગાઉ તેણીએ કોઈ અજાણ્યા પરિવાર સાથે 14 વર્ષની સગીર દીકરીનું લગ્ન નક્કી કરી દીધું હતું. જે સગીરાને સહેજ પણ પસંદ નહોતું પરંતુ માતાનો ડર અને દબાણ એવું હતું કે સગીરા કંઈ પણ વિરોધ કરી શકતી નહોતી. જોકે, આ દરમિયાન સગીરાએ હિંમત કરી માતાની ચુંગાલમાંથી છટકી મામાને ફોન કરી બોલાવી દેતા માતાનો બદઈરાદો ખુલ્લો પડી ગયો હતો. સગીરાને મામા ઘરે લઈ ગયા હતા. જોકે, આ સમય દરમિયાન પણ માતા અવારનવાર આ સગીરાને પોતાની ઇચ્છિત વ્યક્તિને પરણાવવા જાત જાતના પેંતરા કરતી હતી.
સગીર દીકરીનું પાલન પોષણ કરતા મામા અને નાનીએ સગીરાની માતાના ત્રાસથી સગીરાને છોડાવવા સગીરાનું લગ્ન જ્ઞાતિના જ યુવક સાથે નક્કી કરી દીધું અને લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. સગીરાની માતાને આ જાણ થતાં જ તેણીએ 181 અભયમને ફોન કરી પોતાની દીકરીને બચાવી લેવા જણાવ્યું હતું. જે મુજબ અભયમની ટીમ સગીરાને ત્યાં પહોંચી અને કાઉન્સિલિંગ કર્યું, તો સઘળી વિગતનો પર્દાફાશ થયો હતો. સગીરાની નાની અને મામા કાયદાથી તદ્દન કાયદાથી અજાણ નજરે લાગતા તેઓને આ સગીરાના લગ્ન કાયદેસર અપરાધ બને તેવી સમજણ આપવામાં આવી અને લગ્ન બંધ રાખવા જણાવવામાં આવ્યું હતું તેમજ સગીરાને બાળ સુરક્ષા એકમને સોંપવામાં આવી હતી.
મહત્વનું છે કે, આ દરમિયાન સગીરાની માતા સગીરાને પોતાની પાસે લઈ જવા જીદ કરતી હતી. જેને દાદી તેમજ મામા ઉપરાંત સગીરા જાતે જ નકારતી હતી. 181 અભયમ માટે એક નવો વિવાદ ઉભો થતા અભયમના ટીમ દ્વારા સમગ્ર વિગતોને સમજવામાં આવી હતી. સગીરાના તમામ દસ્તાવેજી પુરાવા નાનીને ત્યાંના હતા. જ્યારે માતા અન્ય ગામમાં એકલી રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. દીકરીની જવાબદારી અંગે સગીરાની વિધવા માતાને પ્રશ્નો પૂછતાં તે વડોદરા ખાતે નોકરી કરે છે તેમ ઉપરાંત બીજા ઉટપટાંગ જવાબો આપતી હતી. જોકે, આ અંગે વિધવાની માતા અને સગીરાની નાની પૂછતાં તેઓએ આસું સાથે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, વિધવા દીકરીના ત્રણેય સંતાનોનો તેઓ જ ઉછેર કરી રહ્યા છે. પતિના મૃત્યુ બાદ તે સ્વચ્છંદી જીવન ગાળે છે. મારુ ચાલે તો તેને હું જ પતાવી દઉં... એથી વધુ શુ કહું...! ત્રણ સંતાનોની વિધવા માતા અને સગી પુત્રી માટે વૃદ્ધ માતાના આ શબ્દો સાંભળી 181ની અભયમની ટીમ સઘળું સમજી ગઈ. જોકે, ટીમે સગીરાની જિંદગી સગી માતા હાથે રગડોળાતી કે લૂંટાતી બચાવી લીધાની ખુશી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.