મારામારી:કરમસદમાં રહેતા માતા-પુત્રી પર પાડશોમાં રહેતા ચાર શખ્સોએ હુમલો કર્યો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદના કરમસદ ગામે રહેતા મહિલા ઘર પાસે મરામત કામ માટે કોન્ટ્રાક્ટર સાથે નાણાની વાતચીત કરતાં હતાં, તે સમયે પડોશમાં રહેતો શખસ કોઇ કારણસર ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. જેના કારણે ઝઘડો થતાં મામલો ગંભીર બન્યો હતો અને પડોશમાં રહેતા પરિવારે મહિલા અને તેની પુત્રી પર હુમલો કર્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો હતો.

કરમસદની કૈલાસ સોસાયટીમાં રહેતા સુનંદાબહેન જશવંતભાઈ મેકવાન (ઉ.વ.54) 19મી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘર પાસે મરામત કામ માટે કડિયા અને કોન્ટ્રાક્ટરને બોલાવ્યાં હતાં. તેઓ કોન્ટ્રાક્ટર સાથે જરૂરી વાતચીત કરતાં હતાં. આ સમયે નાણાંની વાત નિકળી હતી. જોકે, તે સમયે જ પડોશમાં રહેતો વિનુ સોલંકી ત્યાંથી પસાર થયો હતો અને અધુરી વાતે તેને શંકા ઉપજી હતી. વિનુએ સુનંદાબેન ઉપર પૈસા બાબતેનો ખોટો શક રાખી બોલાચાલી કરી તેમના દરવાજા પાસે આવી અપશબ્દ બોલવા લાગ્યો હતો.

જેથી, સુનંદાબેને પણ વિનુભાઈને અપશબ્દ બોલવાની ના પાડતા તેનું ઉપરાણું લઈને હંસાબેન વિનુભાઈ સોલંકી આવ્યા હતા અને સુનંદાબેન સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. બાદમાં તેમના પર હુમલો કર્યો હતો. તે દરમિયાન સુનંદાબેનની દીકરી રોઝી વચ્ચે છોડાવવા પડતાં હાર્દિક સોલંકી આવીને સુનંદાબેનના ઘરના દરવાજા ઉપર લાતો મારી સુનંદાબેન અને તેમની દીકરી રોઝીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઝઘડા દરમિયાન નવીન વિનુભાઈ સોલંકી પણ આવી સુનંદાબેનના ઘરના દરવાજા ઉપર લાતો મારી સુનંદાબેન અને રોઝીને ગમે તેમ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે સુનંદાબેન મેકવાને વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિનુભાઈ સોલંકી, હંસાબેન વિનુભાઈ સોલંકી, હાર્દિક વિનુભાઈ સોલંકી અને નવીનભાઈ વિનુભાઈ સોલંકી વિરુદ્ધ ઈપીકો કલમ 295(ખ),506(2) તથા 114 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...