તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટના ઇરાદે હત્યાની આશંકા:આણંદના ભાદરણ ગામે NRI ના બંગલાનું રખોપુ કરતા આધેડની હત્યા, મૃતક NRI પરિવારના વિશ્વાસુ હતા

આણંદ14 દિવસ પહેલા
  • અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની શંકા
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ અને કાર્યવાહી આરંભી

આણંદના ભાદરણ ગામમાં આધેડની હત્યા થતા ચકચાર મચી છે. ગામના NRIના ઘર અને ખેતરનું રખોપુ કરતા આધેડની કોઈ અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ અને કાર્યવાહી આરંભી દીધી છે. ઘટનાની ગંભીરતાને લઈ ડોગ સ્ક્વોડ અને FSLની ટીમ પણ રવાના થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

NRI ના બંગલાનું અને જમીનનું કરતા હતા રખોપુ
પ્રાપ્ત માહિતી મુજબ ભાદરણના ઠાકોર મણીભાઈ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી થયો છે. NRI પરિવારના સભ્યો વાર તહેવાર કે પ્રસંગોપાત અહીં વતન આવતા જતા હોય છે. પરંતુ પરિવારના કોઈ પણ સભ્ય અહીં રહેતો ન હોવાથી ગામના રમતુભાઈ આશાભાઈ ભોઈને ઘર અને જમીનનું રખોપુ સોંપ્યું હતું.

NRI પરિવારના ખાસ વિશ્વાસુ હતા
મૃતક રમતુભાઈ ભોઈ NRI પરિવારના વિશ્વાસુ માણસ અને પરિવારના સભ્ય જેવા જ હતા. દિવસે જમીનની દેખરેખ કરી મૃતક રમતુભાઈ ભોઈ રાત્રીના 8.30 થી 9 વાગ્યાની આસપાસ NRI પરિવારના કસારી રોડ ખાતેના બંગલે આવી જતા હતા. જે સવારે ઉઠી ને 8.30 થી 9 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત જતા હતા. આ તેઓનો નિત્ય અને નિયમિત ક્રમ બની ગયો હતો.

પુત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ

આ અંગે મૃતકના પુત્ર શંભુભાઈ ભોઈએ જણાવ્યું હતું કે, ઠાકોરભાઈ પટેલ ગત માસમાં અમેરિકા ગયા હોવાથી પિતા તેઓના બંગલે રાત્રી રખોપુ કરવા જતાં હતા. સોમવારે સવારે પિતાજીના મિત્ર દિલીપભાઈ ભોઈને પિતાનું કામ હોવાથી તેઓ ઘરે આવ્યાં હતા જોકે, પિતાજી ઘરે ન હોવાથી તેઓ ઠાકોરભાઈના બંગલે પિતાજીને મળવા પહોંચ્યા હતા. જ્યાં પિતાજી મૃત હાલતમાં મળ્યા હતા. જે બાદ અમને જાણ થતાં અમે પણ ત્વરિત પહોંચ્યા હતા. જ્યાં પિતાજીના હાથ, પગ અને મુખ ઉપર મારના નિશાન હતા. તેમજ લોહીના ડાઘ પણ હતા. ઓફીસ રૂમની અંદર સઘળો સામાન વેરવિખેર થઈ ગયો હતો. અમે પોલીસ ફરિયાદ કરી છે.

ઓફિસની અંદર પણ સઘળું વેરવિખેર જોવા મળ્યું
મહત્વનું છે કે, NRI ઠાકોરભાઈના બંગલામાં પ્રવેશ થતા જ મિલન મુલાકાત અને વ્યવસાયિક કામ માટે ઓફીસ બનાવેલી છે. જ્યાં મૃતક રમતુભાઈ ભોઈ સુતા હતા. રાત્રીના અજાણ્યા હુમલાખોર કે ઘરફોડ ચોરી કરતા તત્વોએ હુમલો કરી હોવાની વિગતો મળી છે. ઓફિસ રૂમની અંદર પણ સઘળું વેરવિખેર જોવા મળ્યું હતું. ગામના ટોળા એકત્ર થતા પોલીસે કડકાઈ કરી દૂર કર્યા હતા. પોલીસે તપાસની કાર્યવાહીના ભાગ રૂપે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમ રવાના થઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ અંગે પોલીસનો સંપર્ક કરતા તેઓએ તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. હત્યાની ચોક્કસતા અંગે પૂછતાં શરીરે બાહ્ય સ્તરે ગંભીર ઇજાના નિશાનો હોઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા સાચું કારણ જાણવા મળશેની વિગત જણાવી હતી.

દસ્તાવેજની ચોરી કરવા આવ્યાની શંકા
ચોરી કરવા આવેલા ઈસમોએ ઓફિસના કબાટની તોડફોડ કરી હતી. પરંતુ બાજુમાં જ આવેલા ઘરને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી. માત્ર ઓફિસમાં જ કબાટોના દરવાજા તોડી કાગળો વેરવિખેર કર્યા છે. આમ, સમગ્ર બનાવમાં અગત્યના દસ્તાવેજની ચોરી કરવા આવ્યા હોવાની પણ સંભાવના છે.

હુમલાખોર જાણકાર હોવાની શક્યતા
હુમલાખોરો જાણકાર હોવાની શક્યતા એટલા માટે પ્રબળ છે કેમ કે, સામાન્ય રીતે ચોરીના, લૂંટના ઈરાદે આવેલા લોકો વ્યક્તિ પર હુમલો કર્યા બાદ ક્યારેય પણ તેમને ખાટલા પર વ્યવસ્થિત રીતે ઊંઘની સ્થિતિમાં છોડે એ શક્ય જ નથી. હુમલાખોરો હુમલા બાદ જે તે જગ્યા છોડી જ દેતા હોય છે. આ ઉપરાંત, હજુ સુધી મકાનમાંથી પણ કાંઈ ચોરાયું હોય તેવું બહાર આવ્યું નથી. એટલે સંભવિત સમગ્ર ઘટનામાં કાં તો ગામનો કોઈ શખસ કે જેને મૃતક ઓળખતો હતો તે હોય તેવી સંભાવના વધુ છે.

શ્વાસ રૂંધાવવાથી મૃત્યુ થયું છે
પીએમમાં મૃત્યુ શ્વાસ રૂંધાવવાથી થયું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ છે. જેમાં ડોગ બંગ્લાની આસપાસમાં ફરે છે. હુમલાખોરો ઘટના બાદ દિવાલ કૂદીને જતા રહ્યા હોઈ શકે છે. પોલીસ દ્વારા ફૂટેજ અને ડમ્પ ડેટા મેળવી તપાસ હાથ ધરાઈ છે. - અલ્પેશ રબારી, પીએસઆઈ, ભાદરણ પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...