ચોરી:આધેડ ચા પીવા રોકાયો અને કારમાંથી રૂપિયા16.54 લાખ ભરેલા થેલાની લૂંટ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સામાજિક સેવક આણંદની આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને કરમસદ તરફ જતા હતા
  • કરમસદના પાર્ટી પ્લોટ પાસેનો બનાવ
  • ​​​​​​​બાઇકસવાર લૂંટારુઅોઅે મોઢા પર બુકાની બાંધી હતી તેમજ લાલ રંગની ટોપી પહેરી હતી

આણંદ પાસેના કરમસદ સ્થિત વિવાહ પાર્ટી પ્લોટ પાસે સોમવારે બપોરે આંગડિયા પેઢીમાંથી પૈસા ઉપાડીને કરમસદ તરફ જઈ રહેલાં આધેડની કારનો દરવાજો ખોલીને બે બુકાનીધારી શખસોએ રૂપિયા 16.54 લાખની લૂંટ કરી હતી. નોંધનીય છે કે, આધેડ ચ્હા પીવા માટે રોકાયા હતા એ સમયે સમગ્ર ઘટના બની હતી.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગરમાં રહેતા અને કરમસદમાં તથ્ય ફાઉન્ડેશન નામે સેવાકીય પ્રવૃતિ કરતાં ભરતભાઈ મોજદાન ગઢવીના મિત્રએ તેમને આંગડિયા પેઢી મારફતે તેમના ફાઉન્ડેશનને મદદ કરવા માટે રૂપિયા 16.54 લાખ મોકલ્યા હતા. જેને પગલે સોમવારે બપોરે તેઓ આર. કે. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં ગયા હતા. દરમિયાન, પેઢીમાંથી નાણાં ઉપાડીને તેમની કાર હંકારી તેઓ બપોરે ચાર વાગ્યાની આસપાસ કરમસદ તરફ જતા હતા. એ સમયે વિવાહ પાર્ટી પ્લોટ સ્થિત ગોવર્ધન કાઠિયાવાડી હોટલ પાસે તેમણે તેમની કાર રોકી હતી. કારને લોક મારીને તેઓ ચ્હા પીવા રોકાયા હતા.

દરમિયાન, એ સમયે પાછળથી બે શખસો બાઈક પર આવ્યા હતા અને તેમણે કારનો દરવાજો ખોલીને રૂપિયા ભરેલો થેલો લઈને તારાપુર તરફ ક્યાંય પલાયન થઈ ગયા હતા. બીજી તરફ આ અંગેની જાણ ભરતભાઈને થતાં તેમણે બુમરાણ મચાવી હતી. જેને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. વિદ્યાનગર પોલીસ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ભરતભાઈએ પોલીસને જણાવ્યા અનુસાર, બંને શખસોએ મોઢેં બુકાની બાંધી હતી અને માથે લાલ રંગની ટોપી પહેરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બંને શખસો સંભવિત તેમનો પેઢીએથી જ પીછો કરતા હશે. અને ત્યારબાદ અહીં ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે. હાલમાં પોલીસ દ્વારા આંગડિયા પેઢીથી લઈ ઘટનાસ્થળ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસવાની તથા નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવાની તેમજ ફરિયાદીની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...