અમદાવાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ જિલ્લામાં દેશી-વિદેશી દારૂ બનાવતા અને તેનું વેચાણ કરતાં લોકો પર રોક લગાવવાની કવાયત હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. વીતેલાં 24 કલાકમાં જ પોલીસે જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી ત્રણ મહિલાઓને દેશી દારૂના કેસમાં જ્યારે બે યુવકોને વિદેશી દારૂના ગુનામાં ઝડપી પાડ્યા છે.
ત્યારે બીજી તરફ પેટલાદ તાલુકાના ધર્મજમાં મોડી સાંજે દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા પોલીસ પહોંચી હતી. દરમિયાન નાસભાગ થતાં 42 વર્ષીય આધેડનું પડી જતાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ મામલે ગ્રામજનોના આક્ષેપ બાદ આખરે મૃતદેહને કરમસદ ખાતે પેનલ પીએમ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે પેનલ પીએમ કરાવવામાં આવશે.
પેટલાદ ગ્રામ્ય પોલીસે ધર્મજ ગામમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં 42 વર્ષીય વિનોદ શના તળપદા નામનો ઈસમ જમીન પર પટકાયો હતો. અને બેભાન થઈ ગયો હતો. તેને બેભાન હાલતમાં જ ધર્મજ સીએસસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ગ્રામજનોના ટોળે-ટોળાં એકઠાં થઇ ગયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.