ઉમરેઠના બેચરી ગામમાં રહેતી પરિણીતા ઘરેથી પિયર જવાનું કહી નિકળ્યાં બાદ ક્યાંક ચાલી ગઇ હતી. આ અંગે પરિવારજનોને મોડે મોડે ખ્યાલ આવતા તેઓ ચોંકી ગયાં હતાં અને શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરેઠના બેચરી ગામમાં રહેતા સોનલ વિપુલભાઈ ચાવડા (ઉ.વ.26) સોમવાર સવારે ઘરેથી પિયર જવાનું કહી નિકળ્યાં હતાં. જોકે, થોડા સમય બાદ પિયરમાં તપાસ કરતાં તેઓ ત્યાં પહોંચ્યાં નહતાં. આથી, તેના પરિવારજનોને ચિંતા પેઠી હતી. આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ જ પત્તો લાગ્યો નહતો. આખરે આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાનમાં બેચરી ગામ પાસે નહેરમાંથી અજાણ્યાની લાશ તરતી હોવાની ખબર મળતાં પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ખાસ કોઇ સફળતા મળી નહતી. જેના કારણે આ લાશ પરિણીતા છે કે કેમ તે અંગે ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.