કાર્યવાહી:બોરસદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખસ ઝડપાયો

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સાત નંગ ફીરકી કબજે લઈ તપાસ હાથ ધરી

બોરસદમાં ગરાસીયાવાડમાં રહેતા શખસ પાસેથી પોલીસે બાતમીના આધારે ચાઈનીઝ દોરીના સાત નંગ કબજે લઈ તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વને આડે હાલ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખસો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા છે. દરમિયાન, બોરસદ પોલીસને ગરાસીયાવાડમાં રહેતો કિરણ નટુ પરમાર નામનો શખસ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગરાસીયાવાડ સ્થિત કિરણના ઘરે તપાસ કરતાં તેની પાસેથી રૂપિયા 150ની કિંમતની 7 નંગ ફિરકી મળી આવી હતી. પોલીસે રૂપિયા 1050નો મુદ્દામાલ કબજે લઈ તે ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યો હતો અને કોણે આપી હતી તેની તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, અગાઉ આંકલાવ પોલીસ સ્ટેશનની હદમાંથી પણ બે વેપારીઓ પાસેથી પોલીસને તપાસ દરમિયાન ચાઈનીઝ દોરી મળી આવી હતી. આ ઉપરાંત ગત 14મી ડિસેમ્બરના રોજ એક આધેડના ગળે ચાઈનીઝ દોરી ભરાતાં તેનું મોત નીપજ્યું હતું. જેને પગલે પોલીસ દ્વારા જિલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરી ચાઈનીઝ દોરી વેચતા વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...