તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારીની આગ:આણંદ ફાયર સ્ટેશન પાસે ફટાકડાની દુકાનની આગ ગોડાઉન સુધી પ્રસરી, 2 કોમ્પ્લેક્ષ ભસ્મીભૂત, 2 દાઝ્યા

આણંદ2 મહિનો પહેલા
  • દુકાનમાં ફટાકડા રાખવાનું લાઈસન્સ લીધું, ભોયરામાં, બીજે અને ત્રીજેમાળ ગેરકાયદે ગોડાઉન બનાવી ઠાંસીને માલ ભર્યો
  • શોર્ટ શર્કીટથી લાગેલી આગે લક્ષ્ય ઈમ્પિરિયલ અને બાજુની શ્રેયસ કોમ્પ્લેક્ષને ઝપટમાં લીધા

આણંદ નગરપાલિકાથી 50 મીટર અને ફાયરબ્રિગેડથી 150 મીટર દૂર આવેલા લક્ષ્ય ઈમ્પિરિયલના ભોંયતળીયાની મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં સોમવારે સાંજે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી આજ કોમ્પ્લેક્ષના ભોંયરામાં અને ત્રીજા માળે બનાવવામાં આવેલા ફટાકડાના ગોડાઉન સુધી પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી.

ગોડાઉનમાંથી ફૂટેલા ફટાકડા અને હવાઈઅો બાજુના શ્રેયસ કોમ્પ્લેક્ષમાં પણ ઘુસી જતાં આ કોમ્પેલેક્ષ પણ આગની ઝપટે આવી ગયુ હતુ.કહેવાય છે કે મયુર સેલ્સના માલિકે ભોયતળીયે આવેલી દુકાનમાં ફેટકાડા વેચાણનું લાયસન્સ લીધુ હતુ પરંતુ ગોડાઉનમાં જથ્થાના સંગ્રહ અંગે કોઈ પરવાનો લીધો ન હતો. બનાવની જાણ થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોઅે આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરી હતી. પરંતુ તેમના પ્રયાસો વામણા પૂરવાર થતાં વડોદરા, નંદેસરી, સોજીત્રા, ખંભાત, પેટલાદ, નડિયાદ સહિતના ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી. લગભગ 3 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો.80 હજાર લીટર પાણી અને 500 લીટર ફોમનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવાયો હતો. આ દુર્ઘટનામાં આણંદ ફાયરબ્રિગેડના બે લાશ્કરો દાઝી ગયા હતા.

આગ જ્યાંથી પ્રસરી હતી તે મયુર સેલ્સ નામની સોનુ ખટવાનીની ફટાકડાની દુકાનમાં બનાવ સમયે 15 જેટલાં કર્મીઓ કામ કરી રહ્યા હતા. એ તમામ સલામત રીતે બહાર દોડી ગયા હતા. લક્ષ્ય અને શ્રેયસ કોમ્પ્લેક્ષમાં આવેલી 20થી વધુ દુકાનો અને ઓફિસોને તાબડતોબ ખાલી કરવાઈ હતી. તેમાંય શ્રેયસ કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે આવેલી ઈલેક્ટ્રોનીક્સના શો રૂમ સૌથી પહેલા આગમાં લપેટાયો હતો. આ બંને બિલ્ડીંગમાં મોટા ભાગે કાચની દિવાલો હોવાથી આગમાં તે ફટાકડાની જેમ ફૂટી હતી. એક કિલોમીટરના વિસ્તારને ચારે બાજુથી ઘેરી લઈ ખાલી કરાવાયો હતો. બાજુમાંજ આવેલી રહેણાંક કોલોનીઓને પણ સલામતીના કારણોસર ખાલી કરાવાઈ હતી.

વડોદરાની પરમીશન વિના વીજ કનેક્શન ન આપવા આદેશ
એનઓસી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જ પરમીશન લેવાની હોય છે. સામાન્ય રીતે નિયમ એવો છે કે, કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થનું ગોડાઉન ન રાખી શકાય. અને દુકાનમાં પણ 50 કિલોથી વધુ જથ્થો ન રાખી શકાય. પરંતુ દુકાનમાં વધુ જથ્થો અને ગોડાઉન હોય વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા કોમ્પલેક્ષમાં જ્યાં સુધી વડોદરા ફાયર વિભાગની પરમીશન ન મળે ત્યાં સુધી વીજ કનેક્શન ન આપવા વડોદરા ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું.

હોસ્ટેલના 200 બાળકોને સલામત જગ્યાએ ખસેડાયા
કોમ્પલેક્ષની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાં હવામાં જોવા ળમયા હતા. બીજી તરફ કોમ્પલેક્ષના પાછળના ભાગે આવેલી ડી.એન.હાઈસ્કુલના ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આગને કારણે ડરી ગયા હતા. જેને પગલે તાત્કાલિક 200 વિદ્યાર્થીઓને સલામત અન્ય બિલ્ડીંગમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડનું વાહન ખોટકતાં દશેરાના દિવસે ઘોડા ના દોડ્યાં તેવો ઘાટ સર્જાયો
ફાયરબ્રિગેડનું વાહન ખોટકતાં દશેરાના દિવસે ઘોડા ના દોડ્યાં તેવો ઘાટ સર્જાયો

આગની ઘટનાના પગલે આણંદ, વિદ્યાનગર, કરમસદ, સોજિત્રા, વડોદરા સહિતના ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગયા હતાં, ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ કર્યો હતો. દરમિયાન સોજિત્રા ફાયરબ્રિગેડના એક બાઉઝરમાં યાત્રિંક ખામી સર્જાતા બંધ પડી ગયું હતું. જેને લઈને ઉપસ્થિત લોકોને ધક્કા મારાવાનો વારો આવ્યો હતો. આમ દશેરાના દાહડે જ ઘોડો ના દોડ્યો તેવો ઘાટ સર્જાયો હતો. છેલ્લાં કેટલાંય સમયથી આણંદ નગર પાલિકા પાસે આગ બુઝાવવા માટે પૂરતા સાધનો નથી. આ અંગેની અધિકારીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ રાજકીય પક્ષો આ વાત કાને ધરતા નથી. આગ લાગી ત્યારે પાલિકા પાસે પૂરતા સાધનો ન હોય દિવાબત્તી વિભાગના વાહનની મદદ લેવાની ફરજ પડી હતી.

બિલ્ડીંગનું ફાયર NOC નથી- ચીફ ફાયર ઓફિસર
આણંદ ના ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે સાંજે 4.30 કલાકની આસપાસ ફાયરકોલ આવ્યો હતો.આ ફટાકડા ગોડાઉનમાં લાગેલ આ ભીષણ આગ ને કારણે ફટાકડા સાથે હવાઈ પણ ફૂટી હતી અને જેના કારણે પાસેના ટીવી શોરૂમમાં પણ આગ લાગી હતી.જોકે તેમ કાબુ મેળવી લેવાયો છે.અહીં આણંદ ઉપરાંત વિદ્યાનગર ,પેટલાદ અને વડોદરાના ફાયરફાઈટર પણ પહોંચી ગયા હતા.આ બિલ્ડીંગ ને ફાયરસેફટી અંગે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તેઓ દ્વારા ફાયર એનઓસી લેવાની તસ્દી લેવાઈ નથી.આ બાબતે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દારૂખાનું વેચવાનો પરવાનો છે કે કેમ તે કહેવું મુશ્કેલ
મયુર સેલ્સ પાસે દારૂખાનાના જથ્થા માટે એકથી વધુ પરવાનો છે. તેની પાસે જુદી જુદી જગ્યાએ દારૂખાના જથ્થા માટે પરવાના લીધા છે. પરંતુ આ કોમ્પેલક્ષમાં દારૂખાનું વેચવા માટે પરવાનો છે કે નહીં તે હાલમાં કહેવું મુશ્કેલ છે. > કે. એ. ત્રિવેદી, શિર રિસતેદાર, પ્રાન્ત ઓફિસ, આણંદ.

સાત વાહનો સળગીને ખાખ થઈ ગયા
આગ લાગી ત્યારે કેટલાંક વાહનો કોમ્પલેક્ષની નીચે પાર્ક કરેલા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. જે પૈકી કેટલાંક વાહન માલિકો પોતાના વાહન લઈ શક્યા નહોતા. જેને પગલે પાંચ બાઈક અને એક કાર મળી કુલ સાત વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

વોટર બાઉઝર કમ બુમની મદદથી આગ બુઝાવાઈ
આગ બુઝાવવા માટે વડોદરા કોર્પોરેશનની વોટર બાઉઝર કમ બુમની મદદ લેવાઈ હતી. તેમાં 16 હજાર લિટરથી વધુ પાણીનો જથ્થો સમાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, હાઈ ટેક્નોલોજિવાળું આ બાઉઝર ચાર મિનિટમાં દસ હજારથી વધુ લિટર પાણીનો મારો ચલાવે છે. તેમાં એક વ્યક્તિ કેમેરા દ્વારા નીચે રહીને ઓપરેટ કરતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...