આણંદ તાલુકાના અડાસ ગામમાં રહેતા પરિણીત યુવકના જન્મદિને પ્રેમિકા મળવા ના આવતા યુવકે મહીસાગર નદીમાં છલાંગ મારીને મોતને વહાલું કર્યું. આ બનાવ અંગે વાસદ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના અડાસ ગામમાં પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહેતો અને એમ્બ્યુલન્સ ડ્રાઈવ કરી પરિવારનું ગુજરાન ચલાવતો 23 વર્ષીય યુવક અભિષેક દિલીપભાઈ પરમાર થોડાક સમય પહેલા તે એક યુવતીના પરિચયમાં આવ્યો હતો.બન્ને વચ્ચે આંખ મિચાંમણાં થતા પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમમાં અંધ બની પરિણીત યુવક પત્નિ અને પરિવારથી વધુ સમય પ્રેમિકા યુવતીને સાથે ગાળતો હતો.
પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધ્યા
આ બાબતની જાણ તેની પત્નીને થતા અવારનવાર ઘરમા પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા.ઘરકંકાસ વધ્યો હોવા છતાં અભિષેકે પ્રેમિકા યુવતીને મળવાનું ચાલુ રાખ્યું હતું. જે દરમિયાન સોમવારના રોજ અભિષેકનો જન્મદિવસ હોવાથી તેણે પ્રેમિકા યુવતીને મળવા માટે બોલાવી હતી. પરંતુ કોઈ કારણસર તેની પ્રેમિકા તેને મળવા માટે આવી નહોતી.
જન્મદિવસે પ્રમિકા મળવા ન આવતા પ્રેમીએ નદીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી
જન્મદિવસના ખુશીમાં મગ્ન અભિષેક પ્રેમિકા યુવતીની આ વ્યવહાર સહન ન કરી શક્યો અને તેની તમામ ખુશી હતાશામાં પરિણમી ગઈ.પ્રેમિકાએ તેને તરછોડ્યો અને કહ્યું પ્રેમ ન નિભાવ્યોની લાગણીઓથી ગ્રસ્ત અભિષેકે વાસદ મહીસાગર નદીમાં છલાંગ મારીને આપઘાત કરી લીધો હતો.
મહત્વનું છે કે સ્થાનિકોએ આ બાબતની જાણ વાસદ પોલીસ મથકે કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સ્થાનિક તરવૈયાની મદદથી અભિષેકના મૃતદેહ ની શોધખોળ આદરી હતી. ભારે જહેમત બાદ મંગળવાર ના રોજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવ અંગે વાસદ પોલીસે અપમૃત્યુ નોધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. યુવકના મોત થી તેની પત્ની અને બાળકી નિરાધાર બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.