ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા:બાકરોલ રોડ પરથી ચોરીના ઈરાદે ફરતો રીઢો ઘરફોડીયો ચોર ઝડપાયો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેગમાંથી ચોરી કરવાના ડીસમીસ, પકડ, હથોડી, નાની બેટરી જેવા સાધનો મળ્યા

આણંદના બાકરોલ રોડ ઉપર આવેલા તુલીસ આંગન સોસાયટી પાસેથી ચોરી કરવાના ઈરાદે ફરી રહેલા એક ઈસમને ચોરીના કરવાના સાધનો સાથે વિદ્યાનગર પોલીસે ઝડપી પાડીને ફરાર થઈ ગયેલા તેના બે સાગરિતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી વિદ્યાનગર પોલીસ બાકરોલ-વડતાલ રોડ પરથી પસાર થતી હતી. ત્યારે તુલસી આંગન સોસાયટીના ગેટ પાસે એક શકમંદ વ્યક્તિ મળી આવતા તેને ઝડપી પાડીને તેની પાસે રહેલી બેગની તલાશી લેતાં અંદરથી ચોરી કરવાના સાધનો જેવા કે ડીસમીસ, પકડ, હથોડી, નાની બેટરી તથા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

વિદ્યાનગર પોલીસે આ અંગે પુછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસને સંતોષકારક જવાબ ન મળતા તેની અટકાયત કરી હતી.પોલીસે તેનું નામઠામ પુછતાં તે મુળ દાહોદ જિલ્લાના ગરબાડા ગામનો પરંતુ હાલમાં નાની ખોડીયાર પાણીની ટાંકી પાસે આવેલા ઝુપડામાં રહેતો જગદીશભાઈ ઉર્ફે ડામરો મકનભાઈ ઉર્ફે મગનભાઈ શકરાભાઈ ડામોર હોવાનું જણાવ્યું હતું.

આરોપીની આકરી પુછપરછ કરતાં તે પોતાના અન્ય બે સાગરિતો પરેશભાઈ દીતીયાભાઈ મિનામા (૨હે. સાહડા, દાહોદ) અને અર્જુનભાઈ મહેશભાઈ ગણાવા (રહે, વડવા, દાહોદ)ની સાથે મળીને વિદ્યાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીઓ કરતા હોવાની કબુલાત કરી હતી.આ કબુલાતના આધારે પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ના જણાવ્યા મુજબ ગત રાત્રીના સમયે પકડાયેલો જગદીશ ઉર્ફે ડામરો અગાઉ વિદ્યાનગર પોલીસ મથકના ત્રણ જેટલી ઘરફોડ અને લુંટના ગુનામાં પકડાયો હતો. તેની પુછપરછ કરતા વિઘાનગર પંથકમાં થયેલી ત્રણ જેટલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. પોલીસે ફરાર થઈ ગયેલા તેના અન્ય બે સાગરિતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...