સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી- વિકસતી જાતિની કચેરી દ્વારા રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ-ઉચ્ચ અભ્યાસ લોન યોજના માટે માર્ગદર્શન અર્થે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવી ના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ આણંદ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ માર્ગદર્શન શિબિરમાં કલેકટર ડી.એસ.ગઢવી એ જણાવ્યુ હતુ કે નાણાકીય અગવડતાના કારણે વિદેશ અભ્યાસનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાના સ્વપ્ન અધુરા ના રહી જાય તે માટે રાજ્ય સરકાર વિદેશ અભ્યાસ- ઉચ્ચ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ.પંદર લાખ સુધીની લોનનું ધિરાણ કરે છે.સરકાર દ્વારા અપાતી આ લોનનું વ્યાજ દર માત્ર 4 ટકા છે અને વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસીક કે ત્રિમાસીક હપ્તાઓમાં લોન પરત કરવાની હોય છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિદેશ અભ્યાસની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાતની તમામ બાબતોની જાણકારીની સાથે જેતે દેશમા જવાનુ છે ત્યાના કાયદા અને નિયમોથી પોતાને જાગૃત રાખવા, ત્યાના વાતાવરણથી પોતાને કેવી રીતે એડ્જ્સ્ટ કરવા, કોઇપણ નશા કે ડ્ર્ગ્સના ચુંગલમા ના ફસાવુ તેમજ શરૂઆતના 6 મહીનામાં જેતે દેશમાં રહીને તેને જાણવુ અને સમજવુ તથા વિદેશ જતા પૂર્વે યુનિવર્સિટીની પસંદગી જેવી વિવિધ બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું.
સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ- ઉચ્ચ અભ્યાસ અર્થે માર્ગદર્શન મળી રહે તે માટે યોજવામાં આવેલી આ શિબિરમાં બે વિદ્યાર્થીઓ પૈકી કશીશ રાવને પ્રથમ હપ્તાના રૂ. 7,50,000 જ્યારે જયદીપભાઇ નાયકબજાણીયાને બીજા હપ્તાના રૂ. 7,50,000 ના ચેક કલેકટર ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 40 વિદ્યાર્થીઓ,લાભાર્થીઓને જ્યારે કોમર્શિયલ પાયલોટના અભ્યાસ માટે 2 વિદ્યાર્થીઓ,લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોન આપવામાં આવી છે.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી( વિકસતી જાતિ) પી.આઇ.ચુડાસમાં એ માર્ગદર્શન શિબિરના પ્રારંભમા સ્વાગત પ્રવચન કરતાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ માર્ગદર્શન શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉપસ્થિત રહીને યોજનાકીય જાણકારી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.